ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ ભારતને ગણાવ્યું મહાશક્તિ
જેરૂસલેમ, 29 2026: ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ભારતને એક મહાશક્તિ ગણાવ્યું છે. તેમણે કહ્યું છે કે વિશ્વના ઘણા ભાગોમાં ઇઝરાયેલને ટીકાઓ અને યહૂદી રાજ્યની વૈધતા પર સવાલોનો સામનો કરવો પડે છે, પરંતુ ભારતમાં ઇઝરાયેલ પ્રત્યે લોકોનું સમર્થન અને સ્નેહ અત્યંત મજબૂત છે. તેમણે ઉમેર્યું કે ભારતમાં ઇઝરાયેલ માટે અવિશ્વસનીય અને જબરદસ્ત પ્રેમ જોવા મળે છે. જોર્ડન વેલીમાં આયોજિત એક લીડરશિપ પ્રોગ્રામને સંબોધિત કરતી વખતે નેતન્યાહૂએ ભારત-ઇઝરાયેલ સંબંધોને બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારીનો મહત્વનો સ્તંભ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે ઇઝરાયેલ તેના આંતરરાષ્ટ્રીય ગઠબંધનનો સતત વિસ્તાર કરી રહ્યું છે અને આ દિશામાં ભારત સાથેનો તેનો વિશેષ સંબંધ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
નેતન્યાહૂએ વધુમાં જણાવ્યું કે અમે અમારા ગઠબંધનનો વિસ્તાર કરી રહ્યા છીએ અને આ મોટા દાયરામાં ભારત જેવા વિશાળ અને શક્તિશાળી દેશ સાથેનો અમારો અનોખો સંબંધ સામેલ છે. તેમણે દાવો કર્યો હતો કે વિશ્વના અન્ય ભાગોમાં ઇઝરાયેલને લઈને નકારાત્મક કે ટીકાત્મક વાતાવરણ હોઈ શકે છે, પરંતુ ભારતમાં સ્થિતિ બિલકુલ અલગ અને હકારાત્મક છે. પોતાના ફોલોઅર્સ વિશે વાત કરતા તેમણે રમુજી અંદાજમાં કહ્યું કે સોશિયલ મીડિયા પર તેમના સૌથી વધુ ફોલોઅર્સ ભારતમાંથી છે. નેતન્યાહૂએ આ પહેલા પણ ઘણીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના પોતાના અંગત સંબંધો અને ભારત-ઇઝરાયેલ સહયોગની મજબૂતીનો ઉલ્લેખ કર્યો છે. હાલમાં બંને દેશો વચ્ચે સંરક્ષણ, કૃષિ, ટેકનોલોજી, જળ વ્યવસ્થાપન અને વેપાર જેવા વિવિધ મહત્વના ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ સતત વધી રહ્યો છે.
નેતન્યાહૂની આ મહત્વની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે પશ્ચિમ એશિયામાં સુરક્ષાના વિવિધ પડકારો સર્જાયેલા છે અને ઇઝરાયેલ પોતાના પરંપરાગત સાથીઓથી આગળ વધીને નવા વૈશ્વિક ભાગીદારો સાથે સંબંધો વધુ મજબૂત કરવા પર વિશેષ ભાર મૂકી રહ્યું છે.


