1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સૌરાષ્ટ્રમાં મેઘમહેરઃ 6 કલાકમાં વઢવાણ અને ધ્રાંગધ્રામાં છ ઈંચ વરસાદ
સૌરાષ્ટ્રમાં મેઘમહેરઃ 6 કલાકમાં વઢવાણ અને ધ્રાંગધ્રામાં છ ઈંચ વરસાદ

સૌરાષ્ટ્રમાં મેઘમહેરઃ 6 કલાકમાં વઢવાણ અને ધ્રાંગધ્રામાં છ ઈંચ વરસાદ

0
Social Share

ગાંધીનગર, 1 ઓગસ્ટ 2026: રાજ્યમાં ચોમાસાની સટાસટી વચ્ચે આજે સવારથી જ મેઘરાજાએ મન મૂકીને હેલી વરસાવી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, આજે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીના માત્ર 6 કલાકના સમયગાળામાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ખાસ કરીને સુરેન્દ્રનગર અને મોરબી પંથકમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ ધોધમાર વરસાદ ખાબક્યો છે.

સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકામાં સૌથી વધુ 157મીમી એટલે કે આશરે 6.18 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત ધ્રાંગધ્રા તાલુકામાં 153 મીમી એટલે કે 6 ઈંચ અને લખતરમાં 114 મીમી એટલે કે સાડા ચાર ઈંચ પાણી વરસ્યું હતું. મોરબી તાલુકામાં પણ મેઘરાજાએ મહેર વરસાવતા 109 મીમી એટલે કે 4.29 ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે દક્ષિણ ગુજરાતના નર્મદા જિલ્લાના તિલકવાડામાં 103 મીમી એટલે કે 4 ઈંચ વરસાદ વરસ્યો હતો.

સવારના 6 થી 12 વાગ્યા દરમિયાન રાજ્યના અન્ય વિવિધ તાલુકાઓમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે. મુળી અને ચૂડા તાલુકામાં 93 મીમી, ટંકારામાં 93 મીમી, ગરૂડેશ્વરમાં 81 મીમી, નાંદોદ અને માળીયામાં 69 મીમી, હળવદમાં 65 મીમી, થાનગઢમાં 60 મીમી, સાયલામાં 55 મીમી તેમજ ચોટીલા અને નાસવાડીમાં 50 મીમી વરસાદ નોંધાયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

સવારના માત્ર 6 કલાકના ટૂંકા સમયગાળામાં 6 ઈંચ સુધીનો વરસાદ ખાબકતા સુરેન્દ્રનગર અને મોરબી પંથકના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે, અને રાહત-બચાવ તંત્ર પણ સંપૂર્ણપણે સાબદું થઈ ગયું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code