અગરતલા, 3 નવેમ્બર 2026: ત્રિપુરાના સિપાહીજલા જિલ્લાના આશાબારી વિસ્તારમાં ભારત-બાંગ્લાદેશ સરહદે કર્તવ્ય પર તૈનાત સીમા સુરક્ષા દળ (બીએસએફ) ના જવાનો પર તસ્કરોએ ઘાતકી હુમલો કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. તસ્કરોએ ત્રણ જવાનોને જમીન પર પાડીને નિર્દયતાથી માર માર્યો હતો અને તેમના હથિયારો છીનવી લેવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ હુમલામાં ત્રણેય જવાનોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યારે ઉપદ્રવીઓએ બીએસએફની સરકારી ગાડીમાં પણ ભારે તોડફોડ કરી છે.
મળતી માહિતી મુજબ, 2 નવેમ્બરની સવારે આશરે 9 વાગ્યે ભારત-બાંગ્લાદેશ સરહદ પર ગેટ નંબર 174 અને 175 પાસે બીએસએફની 49મી બટાલિયનના જવાનો દાણચોરી અટકાવવા માટે પેટ્રોલિંગ અને કાર્યવાહી કરી રહ્યા હતા. આ દરમિયાન જવાનોએ એક શંકાસ્પદ તસ્કર હફજુર રહેમાનનો પીછો કરીને તેને ઝડપી પાડ્યો હતો. આ વાતથી ઉશ્કેરાયેલા તસ્કરોના ટોળાએ અચાનક જ જવાનો પર જીવલેણ હુમલો કરી દીધો હતો.
આરોપીઓએ ત્રણેય બીએસએફ જવાનોને જમીન પર પછાડીને બેરહેમીથી માર માર્યો હતો. એટલું જ નહીં, તેમની પાસેથી સત્તાવાર હથિયારો છીનવવાનો પણ નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ હુમલામાં જવાનોને ગંભીર ઇજાઓ થઈ છે. આ ઉપરાંત, ઉશ્કેરાયેલા તસ્કરોએ સુરક્ષા દળના સરકારી વાહનને પણ ટાર્ગેટ કરી ભારે નુકસાન પહોંચાડ્યું હતું.
-
મુખ્યમંત્રી ડૉ. માણિક સાહાની કડક ચેતવણી: ‘ગુનેગારો નહીં બચે’
ઘટનાની ગંભીરતાને જોતાં ત્રિપુરાના મુખ્યમંત્રી ડૉ. માણિક સાહાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે, “આશાબારીમાં આપણા બહાદુર બીએસએફ જવાનો પર કેટલાક બદમાશો દ્વારા કરવામાં આવેલા નિર્દયી હુમલાની હું સખત શબ્દોમાં નિંદા કરું છું. આપણા સુરક્ષા દળો સામેની આવી હિંસા બિલકિલ સ્વીકાર્ય નથી.” બીજી એક પોસ્ટમાં મુખ્યમંત્રીએ માહિતી આપી હતી કે આ કેસમાં કડક કાર્યવાહી કરીને અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આમાં સામેલ તમામ લોકોને કાયદાકીય માળખા હેઠળ કડકમાં કડક સજા કરવામાં આવશે અને સુરક્ષાકર્મીઓ પર હુમલો જરાય સહન કરવામાં નહીં આવે.
-
CCTV માં કેદ થઈ હુમલાની ખૌફનાક તસવીરો
ઘટનાની જાણ થતાં જ આશાબારી બોર્ડર આઉટપોસ્ટ પરથી વધારાના બીએસએફ જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જેને પગલે હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા હતા. આ સમગ્ર હુમલાની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ છે. પોલીસે અને બીએસએફએ ફૂટેજ કબજે કરીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. વરિષ્ઠ પોલીસ અને બીએસએફ અધિકારીઓએ પણ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. હાલ આશાબારી વિસ્તારમાં તણાવપૂર્ણ શાંતિ જોવા મળી રહી છે.


