PM મોદીના ડીપફેક વીડિયો મારફતે અશાંતિ ફેલાવવાના પાક.ના કાવતરાનો પર્દાફાશ
નવી દિલ્હી, 1 ઓગસ્ટ 2026: ભારતીય ગુપ્તચર એજન્સીઓ દ્વારા એક અત્યંત ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. એજન્સીઓના જણાવ્યા અનુસાર, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવીને તૈયાર કરાયેલા ડીપફેક વીડિયોની સંખ્યામાં અચાનક મોટો ઉછાળો આવ્યો છે. આ હાઈ-ટેક પ્રોપાગ્નેડા પાછળનો મુખ્ય હેતુ દેશના યુવાનો અને ખાસ કરીને વિદ્યાર્થીઓને ઉશ્કેરીને ફરીથી આંદોલનના માર્ગે વાળવાનો છે. સૂત્રોના મતે, સોશિયલ મીડિયા પર એવા અનેક ચેડાં કરાયેલા વીડિયો વહેતા કરવામાં આવ્યા છે, જેમાં એવો ખોટો દાવો કરવામાં આવી રહ્યો છે કે વડાપ્રધાન હાલના છાત્ર આંદોલનોમાં સામેલ યુવાનો સામે કોઈ મોટા અને કડક દંડાત્મક પગલાં લેવા જઈ રહ્યા છે.
ગુપ્તચર વિભાગના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, આ નકલી વીડિયોને પાકિસ્તાનમાંથી સંચાલિત થતા સોશિયલ મીડિયા હેન્ડલ્સ દ્વારા મોટા પાયે વાયરલ કરવામાં આવી રહ્યા છે. આ કાવતરા પાછળનો હેતુ વિદ્યાર્થીઓને ફરી એકવાર રસ્તાઓ પર ઉતારવાનો છે અને આ વખતે યુવાનોના ગુસ્સાની દિશા સીધી વડાપ્રધાન મોદી તરફ ફેરવવાનો છે. અધિકારીએ સ્પષ્ટ કર્યું કે, તાજેતરના વિરોધ પ્રદર્શનો દરમિયાન વિદ્યાર્થીઓનો મુખ્ય મુદ્દો નીટ પેપર લીકનો હતો. કેન્દ્ર સરકાર દ્વારા તે સમયના કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન વિરુદ્ધ યોગ્ય પગલાં લેવાયા બાદ સ્થિતિ સંપૂર્ણપણે શાંત થઈ ગઈ હતી. પરંતુ હવે પાકિસ્તાન સમર્થિત હેન્ડલ્સ માત્ર વડાપ્રધાન મોદીને ટાર્ગેટ કરીને વિદ્યાર્થીઓના માધ્યમથી દેશમાં રાજકીય અસ્થિરતા ઊભી કરવાના નિષ્ફળ પ્રયાસો કરી રહ્યા છે.
-
દેખાવકાર વિદ્યાર્થીઓ અંગે સરકારે શું સ્થિતિ સ્પષ્ટ કરી હતી?
રિપોર્ટ અનુસાર, સરકારે અગાઉ જ સ્પષ્ટતા કરી દીધી છે કે, શાંતિપૂર્ણ પ્રદર્શનમાં ભાગ લેનારા કોઈપણ નિર્દોષ વિદ્યાર્થી વિરુદ્ધ કોઈ દંડાત્મક કે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે નહીં. ગત સપ્તાહે દિલ્હી, બિહાર, પશ્ચિમ બંગાળ, અસમ અને મહારાષ્ટ્રની સરકારે પણ વિદ્યાર્થીઓને આશ્વાસન આપ્યું હતું. ગુરુવારે જ દિલ્હી સરકારે સત્તાવાર નિવેદન આપીને સ્પષ્ટ કર્યું હતું કે રાષ્ટ્રીય રાજધાનીમાં નીટ-યુજી વિરોધ પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીઓ સામે કોઈપણ પ્રકારની પ્રતિકૂળ કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી નથી. આ સાથે જ પ્રદર્શન સાથે જોડાયેલા 13 એફઆઈઆરની કાર્યવાહી બંધ કરવાના આદેશો પણ જારી કરી દેવામાં આવ્યા છે.
-
ભ્રામક દાવાઓ પર ગુપ્તચર એજન્સીઓની નજર
એજન્સીના અધિકારીઓનું કહેવું છે કે, સરકારે અગાઉથી જ સ્પષ્ટ સંકેતો આપ્યા છે કે તે સંઘર્ષમાં નહીં પરંતુ રચનાત્મક ઉકેલમાં માને છે. આ જ કારણ છે કે આઈએસઆઈ સમર્થિત તત્વો ફ્રસ્ટ્રેટ થઈને હવે ફેક વીડિયો અને ભ્રામક દાવાઓનો આશરો લઈ રહ્યા છે. આ તત્વોએ વડાપ્રધાન મોદીના અનેક ડીપફેક વીડિયો બજારમાં મૂક્યા છે, જેમાં તેમને એવું બોલતા બતાવવામાં આવ્યું છે કે જંતર-મંતર પર પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ સાથે કડકાઈથી નિપટવામાં આવશે. એક મોર્ફ્ડ વીડિયોમાં પીએમ મોદીના અવાજ સાથે અકુદરતી રીતે છેડછાડ કરીને એવું દર્શાવવામાં આવ્યું છે કે ભાજપ સરકાર વિરુદ્ધ વિરોધ કરનારાઓને તેના માઠા પરિણામો ભોગવવા પડશે.
-
જૂના વીડિયો સાથે છેડછાડ કરી વાયરલ કરાયા
તપાસમાં સામે આવ્યું છે કે પાકિસ્તાની સોશિયલ મીડિયા હેન્ડલ્સે વડાપ્રધાનના એક જૂના વીડિયો ક્લિપનો દુરુપયોગ કર્યો છે. વાસ્તવમાં તે જૂના વીડિયોમાં પીએમ મોદી પેપર માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી રહ્યા હતા અને પરીક્ષા વ્યવસ્થા અંગે વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવેલા સકારાત્મક સૂચનોની પ્રશંસા કરી રહ્યા હતા. જ્યારે હાલના નકલી વીડિયોમાં વડાપ્રધાન દ્વારા પ્રદર્શન દરમિયાન તેમના પર કરાયેલી આપત્તિજનક ટિપ્પણીઓ બાદ પણ સંયમ રાખવા અને માફી માંગવાની અપીલના અસલી ફૂટેજ સાથે ખરાબ રીતે છેડછાડ કરવામાં આવી છે. અસલ ભાષણમાં પીએમએ કહ્યું હતું કે, “આપણા દેશમાં ગાળો આપવાથી કોઈ સમસ્યાનો ઉકેલ નથી આવતો. જે લોકો રસ્તાથી ભટકી ગયા છે, તેમને સાચો રસ્તો બતાવો. ચાલો આપણે સૌ સાથે મળીને ભારતની પ્રગતિ માટે કામ કરીએ.”
-
ભારતમાં અશાંતિ ફેલાવવાનું ષડયંત્ર
એક અન્ય ગુપ્તચર અધિકારીના મતે, સરકાર દ્વારા સમયસર પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેવા અને આંદોલન સમેટી લેવાને કારણે પાકિસ્તાન સમર્થિત તત્વો અત્યંત નિરાશ છે. તેઓ ઈચ્છતા હતા કે, આ આંદોલન લાંબું ચાલે જેથી દેશની વ્યવસ્થા પર સતત દબાણ રહે. આ બધું ભારતની લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકાર સામે જનતાનો વિશ્વાસ ડગમગાવવાની એક મોટી વ્યુહરચનાનો ભાગ છે. એવું પણ માનવામાં આવે છે કે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK), બલુચિસ્તાન અને ખૈબર પખ્તૂનખ્વામાં ચાલી રહેલી ગંભીર આંતરિક સમસ્યાઓ તથા વિરોધો પરથી દુનિયાનું ધ્યાન ભટકાવવા માટે જ ભારતમાં આવા ફેક વીડિયો વાયરલ કરીને અશાંતિ ફેલાવવાનો નિરર્થક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
અહેવાલો મુજબ, થોડા અઠવાડિયા અગાઉ આ જ સોશિયલ મીડિયા હેન્ડલ્સ દ્વારા ભારતીય સેનાને બદનામ કરતા ડીપફેક વીડિયો વહેતા કરવામાં આવ્યા હતા, પરંતુ હવે તેમનું મુખ્ય નિશાન વડાપ્રધાન પદ છે. સુરક્ષા અધિકારીઓએ દેશના નાગરિકોને અને વિશેષ કરીને યુવા વિદ્યાર્થીઓને ખાસ અપીલ કરી છે કે તેઓ આવા પાકિસ્તાની પ્રાયોજિત સોશિયલ મીડિયા હેન્ડલ્સ દ્વારા ફેલાવવામાં આવતા ડીપફેક વીડિયો અને ભ્રામક પ્રચારના પ્રલોભનમાં જરાય ન આવે અને અફવાઓથી સાવચેત રહે.


