
દિલ્હીઃ પંજાબમાં હાલ કોંગ્રેસની સરકાર છે. આગામી વર્ષે અન્ય રાજ્યોની સાથે પંજબ વિધાનસભાની ચૂંટણી યોજાશે. અત્યાર સુધી પંજાબમાં ભાજપ અકાલી દળ સાથે ગઠબંધ કરીને ચૂંટણી લડતું હતું. જો કે, આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં તમામ 117 બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રાખવાનો નિર્ણય કર્યો છે. ભારતીય જનતા પાર્ટીના રાજ્ય એકમ સાથે બેઠક કરવા અહીં આવી પહોંચેલા સંતોષે રાજ્યમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીના સંદર્ભે ચર્ચા કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાનો સમગ્ર દેશમાં વિરોધ થયો હતો. પંજાબમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ રસ્તા ઉપર ઉતરી આવ્યાં હતા. ખેડૂતોના વિરોધને ધ્યાનમાં રાખીને અકાલી દળે ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યું હતું. ગત વિધાનસભાની ચૂંટણીમાં બંને પક્ષોએ સાથે મળીને ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. હવે આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેની ભાજપ દ્વારા અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી બીએલ.સંતોષે પાર્ટીના પ્રદેશ નેતાઓ અને અન્ય લોકો સાથે બેઠક પણ યોજી અને રાજ્યની રાજનીતિની ચર્ચા કરવામાં આવી હતી. સંતોષે પાર્ટીના કાર્યકરોને સંબોધતા કહ્યું કે દેશમાં BJPની લહેર છે અને પંજાબના લોકો રાજ્યમાં પણ BJP સરકાર બનાવવા માટે ઉત્સુક છે. ભારતીય જનતા પાર્ટી રાજ્યની તમામ 117 બેઠકો પર વિધાનસભાની ચૂંટણી પોતાના દમ પર લડશે અને લોકોના સહયોગથી 2022 ની વિધાનસભાની ચૂંટણી જીતશે.
તેમણે વધુમાં જણાવ્યું કે કૃષિ કાયદાઓ વિરુદ્ધનાં વિરોધનો ખોટો પ્રચાર ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે, કેમ કે ખેડૂતોને સમજાયું છે કે આ કાયદાઓથી સમૃધ્ધિ આવશે.