
નવી દિલ્હીઃ નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીની ઈડીએ લંબાણપૂર્વકની પૂછપરછ કરી હતી. ઈડીએ રાહુલ સાથે એકલામાં પૂછપરછ કરી હતી અને તેમની સાથે વકીલોને પણ આવવાની પરમિશન નહોતી મળી. ઈડીએ કોંગ્રેસ નેતા સાથે ઉપરાઉપરી અનેક સવાલો કર્યા હતા. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ રાહુલ ગાંધી સામે ઈડીની કાર્યવાહી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસે અનેક નેતાઓની અટકાયત કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ઈડીના કાર્યાલય રાહુલ ગાંધીની આશરે 3 કલાક સુધી પુછપરછ ચાલી હતી અને ત્યાર બાદ તેઓ લંચ બ્રેક માટે બહાર નીકળ્યા હતા. જોકે બ્રેક બાદ ફરી તેઓ ઈડીના અધિકારીઓ સમક્ષ પાછા ફર્યા છે. ઈડીના અધિકારીઓએ રાહુલ ગાંધીને શું યંગ ઈન્ડિયા AJL એટલે કે, નેશનલ હેરાલ્ડ પ્રકાશન સાથે જોડાયેલી કંપની ટેકઓવર કરી શકે છે, ઈડીનો બીજો સવાલ હતો કે, 50 લાખના શેર જે યંગ ઈન્ડિયા AJLએ ખરીદ્યા, તેનો મોડ ઓફ પેમેન્ટ શું હતું સહિતના સવાલો કર્યાં હોવાનું જાણવા મળે છે. લંચબ્રેકમાં તેઓ પ્રિયંકા સાથે સીધા ગંગારામ હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં તેમણે માતા સોનિયા ગાંધીની તબિયતના ખબર પુછ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કોરોના થયા બાદ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના પગલે સોનિયા ગાંધીને ગઈકાલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ED એ રાહુલ ગાંધીને પૂછ્યું કે તમારી કંપનીમાં કેટલા ટકા હિસ્સો છે. તમે આ હિસ્સો કેવી રીતે અને કેટલા શેર ખરીદ્યો? સૂત્રોના જણાવ્યા અનુસાર EDના અધિકારીઓ રાહુલ ગાંધી પાસેથી વિદેશમાં બેંક ખાતા અને સંપત્તિની માહિતી પણ માગી હતી. આ સિવાય EDએ પૂછ્યું કે યંગ ઈન્ડિયા લિમિટેડની રચના ક્યારે થઈ અને કંપનીએ કેટલા પૈસા ભેગા કર્યા. તેમજ યંગ ઈન્ડિયામાં કેટલા ડિરેક્ટર હતા અને તેમનો હિસ્સો કેટલો હતો. આ સિવાય એ પણ પૂછવામાં આવ્યું કે યંગ ઈન્ડિયા લિમિટેડની પ્રોફાઈલ શું છે.
કોંગ્રેસના કાર્યકરોએ રાહુલ ગાંધીના સમર્થનમાં ઈડી કચેરી બહાર કરેલા દેખાવો સંદર્ભે ભાજપના નેતાઓએ આકરા પ્રહાર કર્યાં હતા. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, ગરબડ કરો અને પછી તપાસ એજન્સીઓ પર દબાણ બનાવો, જનતા આ ઢોંગને સમજી ચુકી છે. સત્ય એ છે કે, તમે ગરબડ કરી, ભ્રષ્ટાચાર કર્યો અને જ્યારે ભ્રષ્ટાચારની તપાસ થઈ રહી છે તો તમે દબાણ બનાવવા પ્રયત્ન કરી રહ્યા છો. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સહિતના નેતાઓએ આકરા કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.