
અમદાવાદઃ રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં આજે ચોથા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. આજે બપોર સુધીમાં 137 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં દ્વારકામાં 5 ઈંચથી વધુ, તેમજ કચ્છના નખત્રાણા અને માંડવીમાં 4 ઈંચ, તેમજ સુરતના પલસાણામાં પણ 4 ઈંચ તથા કચ્છના લખપત, અને નવસારીના ખેરગામમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. બાકીના તાલુકામાં ઝાપટાંથી લઈને બે ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છતાં બપોર સુધીમાં કેટલાક વિસ્તારોમાં સામાન્ય ઝાપટાં પડ્યા હતા.
બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેથી રાજ્યના કેટલાક વિસ્તારમાં 26મી જુલાઈ સુધી સતત 4 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે મંગળવારે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે 120 તાલુકામાં બપોર સુધીમાં વરસાદ પડ્યો હોવાના વાવડ મળ્યા છે. સૌરાષ્ટ્રના જામજોધપુરના સોગઠી ડેમમાં ગાબડું પડતા હેઠવાસનાં ગામોને એલર્ટ કરાયાં છે. નખત્રાણામાં 4 ઈંચ વરસાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. બજારોમાં નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ધસમસતા પાણીના પ્રવાહથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ભારે વરસાદના પગલે મથલ નદી પાસેના પુલ પરથી પાણી વહી નીકળ્યાં છે. જેથી પસાર થતા રસ્તો બંધ થઈ જતા 4 કીમી સુધી ટ્રાફીક જામ થયો હતો. બે વર્ષ પૂર્વ જ મંજુર થયેલો પશ્ચિમ કચ્છને જોડતો રસ્તો બે ઇંચ વરસાદમાં બંધ થઈ ગયો હતો.
નખત્રાણા તાલુકાના નાના અંગિયા અને મોટા અંગિયા ગામની વચ્ચે આવેલી ભુખી નદીમાં વરસાદી પાણીના પ્રવાહના કારણે નદીની પાપડી પર બનાવવામાં આવેલો ડામર રોડનો એક બાજુનો આખે આખો રોડ આરસીસી પરથી ઉખડી ગયો હતો. જેથી લોકોમાં કુતૂહલ ફેલાયું હતું. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, જે રીતે આખો રોડનો લાંબો પટ્ટો વરસાદી પાણીના પ્રવાહના કારણે આરસીસી રોડ ક્ષતિગ્રસ્ત બન્યો છે.
સુરત જિલ્લામાં આજે સતત ત્રીજા દિવસે પણ વરસાદ વરસ્યો છે. જેના કારણે 19 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. બારડોલીના 10, માંડવીના બે અને માંગરોળના ચાર રસ્તા બંધ છે. આ ઉપરાંત વલસાડના ફલધરા ગામે વાંકલ ચિંચાઈ મેઈન રોડ પર પાણી ફરી વળ્યા છે. ફલધરા પુરણેશ્વર મહાદેવ મંદિર પાસે કાવલી ખાડીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ છે. અતિભારે વરસાદથી મુખ્ય રસ્તા ઉપર પાણી ફરી વળ્યા. સવારમાં ખેડૂતોને, દૂધ ઉત્પાદકોને, સરકારી કર્મચારીઓ, ખાનગી કંપનીમાં કામ કરતા કર્મચારીઓ વગેરેને હાલાકી પડી હતી.