
ગુજરાતમાં આજે બપોર સુધીમાં 134થી વધુ તાલુકામાં વરસાદ, કચ્છ અને પાટણ જિલ્લામાં મેઘ મહેર
અમદાવાદઃ ગુજરાતમાં આજે મંગળવારે બપોર સુધીમાં 134થી વધુ તાલુકાઓમાં ઝાપટાંથી લઈને ચાર ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેમાં કચ્છના અબડાસામાં 4 ઈંચથી વધુ, પાટણના સરસ્વતી તાલુકામાં 4 ઈંચ, પાટણમાં 3 ઈંચ, બનાસકાંઠાના ભાભરમાં અને પાટણના સાંતલપુરમાં અઢી ઈંચ, કચ્છના માંડવીમાં બે ઈંચથી વધુ, બનાસકાંઠાના લાખણીમાં બે ઈંચ, પાટણના રાધનપુરમાં બે ઈંચ, આ ઉપરાંત દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં બે ઈંચ અને બાકીના તાલુકાઓમાં જાપટાંથી લઈને દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો.
ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે મંગળવારે 134 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. મહેસાણા જિલ્લામાં દસ દિવસના વિરામ બાદ વરસાદનો ત્રીજો રાઉન્ડ સોમવારે વહેલી સવારથી મનમૂકીને વરસાદ ખાબક્યા બાદ આજે મંગળવારે વહેલી સવારથી જ મહેસાણા સહિત આજુબાજુના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઇ ગઇ છે. આ સાથે ઉત્તર ગુજરાતના પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદ પડ્યો છે. બનાસકાંઠાના ભાભરમાં બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબકતાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતા. આ ઉપરાંત વલસાડ જિલ્લામાં મેઘરાજાએ બે દિવસના વિરામ બાદ ફરી બેટિંગ શરૂ કરતા સોમવારે સરેરાશ 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. જેમાં સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધીમાં જ નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. કપરાડામાં 4.5 ઈંચ, વાપીમાં 3.5 ઈંચ સહિત સર્વત્ર વરસાદ પડયો હતો. સંઘપ્રદેશમાં ગત 33 કલાકમાં દમણમાં 2 ઈંચ અને દા.ન.હવેલીમાં 4 ઈંચ વરસાદ પડયો હતો.
દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના લીધે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની જીવાદોરી સમાન કેલિયા ડેમ સોમવારે ઓવરફલો થયો હતો. જેથી નીચાણવાળા 23 ગામોને એલર્ટ કરાયા છે. જ્યારે જુજ ડેમ 90 ટકા ભરાતા 25 ગામોને એલર્ટ કરાયા છે. જોકે, ડેમ ઓવરફલો થતા ખેડૂતોમાં ખુશાલી છવાઈ છે. વાંસદા તાલુકાની જીવાદોરી સમાન જુજ અને કેલિયા ડેમ પૈકી કેલિયા ડેમ તેની 113.40 મીટરની સપાટી પરથી 0.05 મીટરથી ઓવરફલો થયો હતો. જયારે તાલુકાના બીજા જુજ ડેમમાં ઓવરફલોની સપાટી 197.50 મીટરની છે. વાંસદાના કેલિયા, ચીખલી તાલુકાનાં માંડવો, કાકડવેલ, વેલણપુર, ગોડથલ, કણભાઈ, સિયાદા, પોલાર, કલીયારી, આમધરા, મોગરાવાડી, પીપલગભાણ, સોલરા, મલિયાધારા, વેજ, તેજલાવ, બલવાડા અને ખેરગામ તાલુકાના વાડ જ્યારે ગણદેવી તાલુકાના ઉંડાચ, ગોયંદી, ખાપરવાડા, દેસરા અને વાથરેચનો સમાવેશ થયા છે.