
રાજકોટ: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે માધાપર ચોકડી સિક્સ લેન ઓવરબ્રિજનું ઇ-લોકાર્પણ કર્યું
- વાહન ચાલકોને ટ્રાફીક સમસ્યામાંથી મળશે છુટકારો
- માધાપર ચોકડી સિક્સ લેન ઓવરબ્રિજનું ઇ-લોકાર્પણ
- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઓવરબ્રિજનું ઇ-લોકાર્પણ કર્યું
રાજકોટ: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે માધાપર ચોકડી સિક્સ લેન ઓવરબ્રિજનું ઇ-લોકાર્પણ કર્યું હતું. રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ તથા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે એકાત્મવાદના પ્રણેતા દીનદયાલ ઉપાધ્યાયજીની જન્મ જયંતી નિમિત્તે શબ્દાંજલિ અર્પિત કરતાં જણાવ્યું હતું કે,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પાયાની આંતરમાળખાકીય જેવી કે વીજળી, રસ્તા, નેટવર્ક જેવી સુવિધાઓ રાજયના દરેક વિસ્તાર સુધી પહોંચે તેવી કાર્ય-સંસ્કૃતિ વિકસાવી છે, આ પરંપરાને રાજ્ય સરકારની ટીમ આગળ ધપાવી આ સુવિધાઓને વધુ સુદ્રઢ કરવાનું કાર્ય કરી રહી છે.આ ફ્લાયઓવર થકી જામનગર- રાજકોટ વચ્ચે અવરજવર કરતા નાગરિકોના સમય અને ઇંધણનો બચાવ થશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને જરૂરી આંતરમાળખાકીય સુવિધાથી સજજ બનાવી અન્ય રાજ્યો માટે રોલ મોડલ બનાવ્યું હતું. દેશમાં 9 વર્ષમાં 3 લાખ 28 હજાર કીમીના ગ્રામીણ રસ્તાઓનું નિર્માણ થયું છે. દેશમાં રોજના 37 કીમી હાઈવેનુ નિર્માણ થઇ રહ્યું છે. ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સુદ્રઢ માળખાને વધુ વિકસિત કરવા માટે આ વર્ષના બજેટમાં રૂ. 20,600 કરોડ જેટલી રકમ અને હાઇવેને ફોરલેન બનાવવા માટે 2800 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. 2200 કરોડના ખર્ચે ત્રણ હાઇવેને સિકસલેન કરવાની કામગીરી પ્રગતિમાં છે. હાઇવે સાથે મોટા શહેરોમાં ઈઝ ઓફ લિવિંગ વધે તે માટે તેના રસ્તાઓને વધુ વિકસિત કરવાની રાજય સરકારની નેમ છે. પ્રધાનમંત્રીના આંતરમાળખાકીય સુવિધાઓના વિકાસ દ્વારા રાષ્ટ્રના વિકાસમાં નવા સીમાચિહ્નો સ્થાપવાના સંકલ્પને સાકાર કરવા ગુજરાત પ્રતિબધ્ધ છે.
ઉલ્લેખનીય છે કે, આ બ્રીજનાં નિર્માણ માટે ત્રણ વર્ષ જેટલો સમય પસાર થવા પામેલ છે. આ બ્રીજનું નિર્માણ થતાં વાહન ચાલકોને ટ્રાફીક સમસ્યામાંથી છૂટકારો મળશે. અત્યાર સુધી માધાપર બ્રીજની આ નિર્માણ કામગીરીને લઈને અમદાવાદ રાજકોટથી જામનગર જતા આવતા વાહનોને માધાપર ચોકડી વિસ્તારમાં સતત રહેતા ટ્રાફીકનાં જમેલાને કારણે ભારે હાડમારી પડતી હતી. જેનો અંત હવે થયો છે.