
રાજકોટઃ શહેરમાં ગરીબ પરિવારોને મકાનો ફાળવ્યા બાદ સામાન્ય હપતા પણ ભરતા ન હોય એવા લોકો સામે મ્યુનિ.કોર્પોરેશને લાલ આંખ કરી છે શહેરમા મ્યુનિ.કોર્પોરેશનના આવાસ યોજના વિભાગ દ્વારા આવાસના હપતાની વસૂલાત માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં 1 એપ્રિલથી 9 સપ્ટેમ્બર સુધીના 6 મહિનામાં આવાસ યોજના વિભાગ દ્વારા આવાસોના હપ્તા પેટે રૂ.68,83,22,798 ની વસૂલાત કરવામાં આવી છે. આજદિન સુધીમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ યોજનાઓ અંતર્ગત 31,000થી વધારે આવાસ બનાવીને લાભાર્થીઓને ફાળવવામાં આવ્યા છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્માર્ટ ઘર, મુખ્યમંત્રી આવાસ યોજના, BSUP – 1,2,3, રાજીવ આવાસ યોજના, ગુરુજીનગર, ધરમનગર, હુડકો, વામ્બે અને સફાઈ કામદાર આવાસ યોજનાઓનો સમાવેશ થાય છે.
રાજકોટ મ્યુનિ.કોર્પો.ના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં ગરીબ અને મકાન વિહોણા પરિવારોને વિવિધ યોજના અંતર્ગત મકાનોની ફાળવણી કરવામાં આવી હતી.પરંતુ ઘણા મહિનાઓથી હપતા ચુકવવામાં આવતા નહતા. આથી હપતા વસુલાતની ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. 8 સપ્ટેમ્બરના રોજ એક જ દિવસમાં આવાસ યોજના વિભાગે રૂ.1,05,60,069ની મહત્તમ આવક થઈ હતી. આ અત્યાર સુધીની એક જ દિવસની મહત્તમ વસૂલાત છે. આ અગાઉ 6 જુલાઈના રોજ એક જ દિવસમાં આવાસ યોજના વિભાગ દ્વારા રૂ.1,28,10,990ની આવક થઈ હતી. આ ઉપરાંત તા.01/09/2021 થી તા. 09/09/2021 સુધીના એક અઠવાડિયામાં આવાસ યોજના વિભાગ દ્વારા રૂ. 6,51,72,401ની આવાસના હપતા પેટે આવક થઈ છે. આ જ પ્રકારે તા.23/06/2021 થી તા.09/09/2021 સુધીમાં આવાસ યોજના વિભાગ દ્વારા રૂ. 38,19,83,547ની વસુલાત આવાસના હપતા પેટે કરવામાં આવી હતી. તા.01/04/2021 થી તા.09/09/2021 સુધીના 6 મહિનામાં આવાસ યોજના વિભાગ દ્વારા રૂ. 68,83,22,798ની વસુલાત આવાસના હપ્તા પેટે વસુલાત કરવામાં આવી હતી