
ગણતંત્ર દિવસની પરેડમાં દેશની ધાર્મિક અને સાંસ્કૃતિક ઝાંખી જોવા મળશે, રામ-મંદિર, ગંગા જમુની સભ્યતા આકર્ષણનું કેન્દ્ર રહેશે
- પ્રજાસત્તાક દિવસના પરેડની પુરજોશથી તૈયારીઓ
- પરેડમાં રામ મંદિર સહીત અનેક ઝાંખીઓ જોવા મળશે
- પરેડમાં પહેલીવાર લદ્દાખની ઝાંખી પણ સામેલ
દિલ્લી: 72માં પ્રજાસત્તાક દિવસના પરેડ પ્રસંગે દર્શકોને રાજપથ પર ભવ્ય રામ મંદિરની ઝલક જોવા મળશે. રાજપથ પર દર્શકોને રામ મંદિર સાથે કેદારનાથ,શીખ ગુરુનું બલિદાન,ચાંદની ચોકની ઝાંખી પણ જોવા મળશે. ખાસ વાત એ છે કે, પહેલીવાર લદ્દાખ પોતાની ઝાંખી લઈને આવી રહ્યું છે.
દિલ્હી કેન્ટોનમેન્ટમાં શુક્રવારે રક્ષા મંત્રાલયના અધિકારીઓએ ઝાંખીઓ વિશે માહિતી આપી હતી. આ વર્ષે 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને મંત્રાલયોની ઝાંખી હશે. તેમાં ઉત્તરપ્રદેશની ઝાંખીમાં પ્રાચીન શહેર અયોધ્યાના વારસો, ભવ્ય રામ મંદિરની પ્રતિકૃતિ, દીપોત્સવની ઝલક અને પૌરાણિક લખાણ રામાયણની વિવિધ ઘટનાઓ પ્રદર્શિત કરવામાં આવશે. આ સિવાય ઝાંખીના આગળના ભાગમાં મહર્ષિ વાલ્મીકીની એક પ્રતિમા તો પાછળ મંદિરનું માળખું હશે.
ઉત્તરાખંડની ઝાંખીમાં કેદારનાથ ધામને દર્શાવવામાં આવ્યું છે. ઝાંખીના આગળના ભાગમાં રાજ્ય પશુ કસ્તુરી મૃગ પણ જોવા મળશે. ઝાંખીમાં બાર જ્યોતિર્લિંગોમાંના એક બાબા કેદારનું ભવ્ય મંદિર,મંદિરની પાછળનું વિશાળ દિવ્ય શીલા હશે.
પંજાબની ઝાંખીમાં શીખોના નવમાં ગુરુ તેગ બહાદુરના બલિદાનને પ્રદર્શિત કરવામાં આવશે. આ ઝાંખીમાં શીખ ગુરુના 400 માં પ્રકાશ પર્વ પણ જોવા મળશે.
પરેડ દરમિયાન પ્રેક્ષકો રાફેલથી લઈને વિક્રાંત અને 1971ના યુદ્ધ અભિયાન જોશે. નૌસેનાની ઝાંખીઓમાં આઈએનએસ વિક્રાંતનું મોડેલ અને 1971માં બાંગ્લાદેશની આઝાદી માટે પાકિસ્તાન સાથે ભારતની લડતની નૌકાત્મક કામગીરીને જોશે.
શ્રમ અને રોજગાર મંત્રાલય પોતાની ઝાંખીમાં સરકાર દ્વારા પાછલા દિવસોમાં થયેલા શ્રમ સુધારા બતાવશે. આમાં આદર અને સખત મહેનતનો સમાન સંદેશ હશે. તે સ્વસ્થ શ્રમિક,સ્વચ્છ ભારતનો સંદેશો પણ આપશે.
-દેવાંશી