RBI દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડના નિયમોમાં ધરખમ ફેરફારનો પ્રસ્તાવ, લોન મર્યાદા અને વેલિડિટી વધશે
મુંબઈ, 13 ફેબ્રુઆરી 2026: ભારતીય રિઝર્વ બેંક દ્વારા ખેડૂતોના આર્થિક સશક્તિકરણ માટે ‘કિસાન ક્રેડિટ કાર્ડ’ યોજનાના નિયમોમાં મોટા ફેરફારો સૂચવતો સુધારેલો ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ નવા પ્રસ્તાવમાં ખેતીમાં વધતા ટેકનોલોજીના વપરાશને ધ્યાનમાં રાખીને લોન મેળવવાના દાયરાને વધુ વિસ્તૃત બનાવવામાં આવ્યો છે.
નવા નિયમો મુજબ, હવે માત્ર બિયારણ કે ખાતર જ નહીં, પણ ખેતી સાથે જોડાયેલી આધુનિક ટેકનોલોજીના ખર્ચ માટે પણ KCC હેઠળ લોન મળી શકશે. જેમાં જમીન પરીક્ષણ, હવામાનની આગાહીની સેવાઓ અને જૈવિક પ્રમાણપત્ર જેવી એગ્રી-ટેક પહેલો પર થતા ખર્ચને પણ પાત્ર કૃષિ લોન ઘટકોમાં સામેલ કરવાની દરખાસ્ત છે.
- ગેરંટી વગર રૂ. 2 લાખ સુધીની લોન અને વેલિડિટીમાં વધારો
RBIએ નાના ખેડૂતોને મોટી રાહત આપતા કેટલાક મહત્વના બિંદુઓ રજૂ કર્યા છે.
કોલેટરલ ફ્રી લોન: પ્રતિ લેણદાર રૂ. 2 લાખ સુધીની કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓની લોન માટે હવે કોઈ ગેરંટી કે માર્જિન મનીની જરૂર રહેશે નહીં.
સીમાંત ખેડૂતોને લાભ: એક હેક્ટર સુધીની જમીન ધરાવતા નાના ખેડૂતો માટે રૂ.10,000 થી રૂ. 50,000 સુધીની ફ્લેક્સિબલ લોન મર્યાદાનો પ્રસ્તાવ છે.
કાર્ડની વેલિડિટી: KCCની માન્યતા અત્યારના સમયગાળાથી વધારીને 6 વર્ષ કરવાની દરખાસ્ત મૂકવામાં આવી છે.
પાકનો સમયગાળો: ટૂંકા ગાળાના પાક માટે 12 મહિના અને લાંબા ગાળાના પાક માટે 18 મહિનાનો સમયગાળો નિર્ધારિત કરાયો છે.
રિઝર્વ બેંકે આ સુધારેલા નિયમો અંગે હિતધારકો અને જનતા પાસેથી પ્રતિભાવો મંગાવ્યા છે. આ ડ્રાફ્ટ અંગે કોઈ પણ સૂચન કે વાંધો 6 માર્ચ, 2026 સુધી મોકલી શકાશે, ત્યારબાદ આ નિયમોને આખરી ઓપ આપી અમલી બનાવવામાં આવશે.
આ પણ વાંચોઃ બજેટ સત્રની શરૂઆતમાં ગુજરાતની જનતાના ન્યાય માટે કોંગ્રેસ ૧૬ ફેબ્રુઆરીએ યોજશે ‘જન આક્રોશ સભા’


