1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરૂંમાં રેકડબ્રેક તેજી, પ્રતિ 20 કિલોના 13000 રૂપિયા ઉપજ્યા
ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરૂંમાં રેકડબ્રેક તેજી, પ્રતિ 20 કિલોના 13000 રૂપિયા ઉપજ્યા

ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરૂંમાં રેકડબ્રેક તેજી, પ્રતિ 20 કિલોના 13000 રૂપિયા ઉપજ્યા

0
Social Share

મહેસાણા: રાજ્યમાં આ વર્ષે જીરૂંના ભાવે તમામ રેકોર્ડ તોડ્યા છે. ઊંઝાના માર્કેટ યાર્ડમાં ખેડુતોને જીરૂંના રેકર્ડબ્રેક ભાવ ઉપજી રહ્યા છે. પ્રતિ 20 કિલોના એટલે એક મણના ભાવ રૂપિયા 13000 ઉપજતા ખેડુતો ખૂશખૂશાલ થયા હતા.  ઊંઝા માર્કેટ યાર્ડમાં મસાલા સહિતની જણસી જેવી કે, જીરું, વરીયાળી અને ઈસબગુલની આવક વધી રહી છે. સાથે જ અજમાની આવક પણ સારીએવી જોવા મળી હતી. યાર્ડમાં જીરૂંના ભાવ 13, 145 સુધી પહોંચ્યા હતા.

ઊંઝા માર્કેટ યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ જીરુંના ઉંચા ભાવ રેકર્ડબ્રેક બોલાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. શુક્રવારે યાર્ડમાં જીરુંના ભાવમાં વધારો નોંધાયો હતો, જે 13000ની સપાટી વટાવી ગયો હતો. યાર્ડમાં જીરું ,રાયડા અને વરીયાળીના ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. ઊંઝા ગંજબજારમાં અજમાની સીઝન અંદાજીત 2000 થી 2500 બોરીની આવક રહેવા પામી છે. આ સાલ વાવેતર ઓછું છે. તેમજ માવઠાના મારને કારણે ભાવમાં સુધારો જોવાયો છે.અજમાના ભાવ ગત વર્ષે રૂપિયા 1200 થી 2800 સુધીના જોવા મળ્યા હતા. જ્યારે મહિના પહેલા અજમાના ભાવ રૂપિયા 2000 થી 2400 રૂપિયા સુધીના રહ્યા હતા. જ્યારે આજે અજમાના ભાવ સરેરાશ રૂપિયા 1900 થી 3400 સુધીના જોવા મળ્યા હતા. યાર્ડમાં અજમાના ભાવમાં આ મહિનામાં 900 રૂપિયાનો વધારો થયો છે. અજમાની આવક મહેસાણા જિલ્લામાંથી આવી રહી છે. જ્યારે છેલ્લા એક માસમાં અજમાના ભાવમાં રૂપિયા 900નો સુધારો જોવા મળ્યો હતો. સાથે સાથે આજે ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરુંના ભાવ 10400 રૂપિયા પ્રતિ મણ અને ઊંચા ભાવ રૂપિયા 13145 પ્રતિ મણ બોલાયા હતા.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, માર્કેટ યાર્ડમાં ઈસબગુલનો નીચો ભાવ રૂપિયા 3920 થી 6105 રૂપિયા પ્રતિ મણ સુધીનો નોધાયો હતો. સાથે સાથે રાયડા અને સવાની પણ આવક ઉંઝા માર્કેટ યાર્ડમાં જોવા મળી હતી.જેમાં રાયડાનો ભાવ આજે 960 થી 1201 પ્રતિ મણ નોધાયો હતો. અને રાયડાના ભાવમાં 200 રૂપિયાનો વધારો નોંધાયો હતો. તલના ભાવ 2580 થી 3300 રૂપિયા પ્રતિ મણ નોંધાયો હતો. તેમજ સવાનો ભાવ 3200 રૂપિયા પ્રતિ મણ અને 4600 રૂપિયા પ્રતિ મણનો ભાવ રહેવા પામ્યો છે. સવાના ભાવમાં 700નો સુધારો જોવા મળ્યો છે. યાર્ડમાં જીરું ,રાયડા અને સવાનાં ખેડૂતોને ભાવ વધતાં સારા ભાવ મળ્યા છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code