નાફેડે ડુંગળીની ખરીદી શરૂ કરતા ખેડુતોને રાહત, રાજકોટ યાર્ડમાં ખરીદીની ખેડુતોને જાણ જ નથી
અમદાવાદઃ ભારત સરકારના નિર્દેશથી નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (નાફેડ), દ્વારા ગુજરાતમાં ટેકાના ભાવે ખેડુતો પાસેથી ડુંગળીની ખરીદી શરૂ કરી દીધી છે. તેથી ખેડુતોના રાહત મળશે. ગુજરાતમાં ભાવનગરના મહુવા, પોરબંદર અને ગોંડલ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે ડુંગળી ખરીદીની જાહેરાત બાદ ખેડુતોએ નોંધણી કરાવ્યા બાદ લાલ ડુંગળી વેચવા માટે ઉમટી પડ્યા હતા. જ્યારે રાજકોટ યાર્ડમાં પણ નાફેડના અધિકારીઓ ખરીદી માટે ગયા હતા. પરંતુ સરકારે કરેલી જાહેરાતમાં રાજકોટ યાર્ડનો સમાવેશ ન હોવાથી ખેડુતો ડુંગળી વેચવા માટે આવ્યા નહતા. આમ રાજ્ય સરકાર અને નાફેડના અધિકારીઓ વચ્ચે સંકલનને અભાવ જોવા મળ્યો હતો.
ગુજરાતમાં ડુંગળીના ભાવ તળિયે બેસી જતાં ખેડુતોની હાલત કફોડી બની હતી. ખેડુતોને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ નિકળતો નહતો. આથી ભારત સરકારના આદેશથી નાફેડે ગુજરાતના ત્રણ મુખ્ય બજારોમાંથી ડુંગળીની ખરીદી શરૂ કરવાનો નિર્ણય લીધો હતો.. નાફેડ ભાવનગર (મહુવા), ગોંડલ અને પોરબંદરથી ડુંગળીની ખરીદી શરૂ કરી છે. જરૂર મુજબ સમયાંતરે વધુ કેન્દ્રો ખોલવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ખેડુતોને વધુ સારા દરનો લાભ લેવા માટે સારી ગુણવત્તા અને સૂકો સ્ટોક ખરીદી કેન્દ્રો પર લાવવા વિનંતી કરવામાં આવી છે. ખેડૂતોને પેમેન્ટ ઓનલાઈન કરવામાં આવશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારત સરકારના આ પગલાથી રાજ્યમાં ડુંગળીના બજારને સ્થિરતા મળશે. તેમજ ડુંગળી ઉત્પાદક ખેડુતોને પોષણક્ષમ ભાવ મળશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડુતોને તેનો વિશેષ લાભ થશે. પ્રતિકિલો રૂા.9ના ભાવે ખરીદી થશે. કૃષિ મંત્રીની રજૂઆતને પગલે રાજ્યમાં ખરીફ સિઝનના અંતમાં ડુંગળીના મંદીના ભાવને કારણે પરિસ્થિતિનો તાગ મળતા નાફેડ દ્વારા ગુજરાતના ત્રણ મુખ્ય બજારોમાંથી ડુંગળીની ખરીદી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. નાફેડ દ્વાર ભાવનગર (મહુવા), ગોંડલ અને પોરબંદરમાં ડુંગળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા ખરીદી કરવાના લીધે ખેડૂતોને રાજ્યમાં ડુંગળીના તૂટતા ભાવથી તાત્કાલિક રાહત અને સારા ભાવનો લાભ મળશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજકોટ જૂના માર્કેટિંગ યાર્ડનો કોઈ ઉલ્લેખ સરકારની જાહેરાતમાં કરાયો નહતો. બીજી બાજુ રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં આજે વહેલી સવારના સાત વાગ્યાથી નાફેડ દ્વારા જે એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું તેમના દ્વારા ડુંગળી ખરીદ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતુ. જોકે બપોરના 12:00 વાગ્યા સુધીમાં એકપણ ખેડૂતની ડુંગળી ખરીદ કરવામાં આવી નહોતી. જૂના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો પોતાની ડુંગળી લઈને ઓપન માર્કેટમાં વેચવા પહોંચ્યા હતા. પરંતુ નાફેડને જો તેમને ડુંગળી વેચવી હોય તે ડુંગળીના વેચાણ અર્થે તેમને સાત જેટલા કાગળિયા તેમજ ફોટાની આવશ્યકતા હોય છે. તે જાહેરાત ન હોવાના કારણે તેઓ પોતાની સાથે નહોતા લાવી શક્યા.