ગણતંત્ર દિવસ પરેડમાં ભારતીય નૌસેના, મહારાષ્ટ્રનો દબદબો, જનમતમાં ગુજરાતની ઝાંખી વિજેતા
નવી દિલ્હી, 29 જાન્યુઆરી 2026: ગણતંત્ર દિવસ પરેડ 2026 માં ભાગ લેનારી ત્રણેય સેનાઓ, અર્ધલશ્કરી દળો અને વિવિધ રાજ્યોની ઝાંખીઓના પરિણામો સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. આ વર્ષે ભારતીય નૌસેનાની માર્ચિંગ ટુકડીએ ત્રણેય સેનાઓમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જ્યારે રાજ્યોની શ્રેણીમાં મહારાષ્ટ્રની ઝાંખીને શ્રેષ્ઠ જાહેર કરવામાં આવી છે.
સંરક્ષણ મંત્રાલય દ્વારા ગઠિત નિર્ણાયક મંડળ અનુસાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ટોચની ત્રણ ઝાંખીઓ પ્રથમ ક્રમે મહારાષ્ટ્ર, બીજા ક્રમે જમ્મુ-કાશ્મીર અને ત્રીજા ક્રમે કેરળનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રની ઝાંખીમાં ‘ગણેશોત્સવ: આત્મનિર્ભરતાનું પ્રતીક’ વિષય રજૂ કરવામાં આવ્યો હતો. જ્યારે જમ્મુ અને કાશ્મીરની ઝાંખીમાં ત્યાંના હસ્તશિલ્પ અને લોકનૃત્યનું સુંદર પ્રદર્શન કરાયું હતું. તેમજ કેરળની ઝાંખીમાં ‘વોટર મેટ્રો અને 100 ટકા ડિજિટલ સાક્ષરતા’ દ્વારા આત્મનિર્ભર કેરળની ઝલક દેખાઈ હતી.
સત્તાવાર નિર્ણાયક મંડળ મુજબ ત્રણેય સેનાઓમાં ભારતીય નૌસેના સર્વશ્રેષ્ઠ રહી. APF અને અન્ય દળોની શ્રેણીમાં દિલ્હી પોલીસની માર્ચિંગ ટુકડીને શ્રેષ્ઠ જાહેર કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રાલયોમાં સંસ્કૃતિ મંત્રાલયની ઝાંખી ‘વંદે માતરમ: એક રાષ્ટ્રનો આત્મ-ધ્વનિ’ પ્રથમ ક્રમે રહી છે. CPWD ની ઝાંખી અને નૃત્ય જૂથ ‘ભારતની શાશ્વત ગૂંજ’ ને વિશેષ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.
MyGov પોર્ટલ પર ઓનલાઈન મતદાન દ્વારા નાગરિકોની પસંદગીના પરિણામો પણ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં લોકોએ ગુજરાતની ઝાંખીને સૌથી વધુ પસંદ કરી છે. ગુજરાતની ઝાંખી ‘સ્વદેશી-આત્મનિર્ભરતા-સ્વતંત્રતાનો મંત્ર: વંદે માતરમ’ પ્રથમ સ્થાને રહી. બીજા ક્રમે ઉત્તર પ્રદેશ (બુંદેલખંડની સંસ્કૃતિ) અને ત્રીજા ક્રમે રાજસ્થાનની ઝાંખી રહી છે. શ્રેષ્ઠ માર્ચિંગ ટુકડી (સેના)માં લોકોની પસંદગી મુજબ ‘અસામ રેજિમેન્ટ’ શ્રેષ્ઠ રહી. જનમત અનુસાર CRPF ની ટુકડીને સર્વશ્રેષ્ઠ માનવામાં આવી છે. શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગની ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020’ પર આધારિત ઝાંખીને જનતાએ સૌથી વધુ પસંદ કરી છે.
આ પણ વાંચોઃ ‘એક ખરાબ દિવસ બધું બરબાદ કરી શકે છે…’ રાહુલ દ્રવિડે ટીમ ઈન્ડિયાને ચેતવણી આપી


