રાજ્યમાં આગામી ચાર દિવસ હિટવેવમાં રાહત
અમદાવાદ: બદલાતા મોસમમાં ક્યારે ગરમી હોય છે તો ક્યારે વરસાદ પડતો હોવાથી વાતાવરણનું અનુમાન કરવું મુશ્કેલ બન્યું છે. ગરમીની ઋતુ હોવા છતાં ધણી જગ્યાએ વરસાદ નું વાતાવરણ જોવા મળ્યું છે. જયારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 4 દિવસ રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા નહિવત છે. અને ગરમી વધવાના પણ કોઈ લક્ષણો જોવા મળ્યા નથી.
ગુજરાત રાજ્ય પર હાલ કોઈ વરસાદની સિસ્ટમ સક્રિય નથી. પરંતુ હાલ દક્ષિણ દિશાએથી વાદળો આવી રહ્યા છે. જેને કારણે રાજ્યમાં એકાદ જગ્યાએ છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે. હાલમાં દક્ષિણ – પશ્ચિમી તરફથી આવી રહેલા પવનોને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે. દરમિયાન ગઈકાલે સૌથી વધુ અમદાવાદ અને પાટણમાં 41.5 ડિગ્રી તાપમાન નોધાયું છે. જ્યારે ગાંધીનગરમાં 41 અમરેલીમાં 40.8 અને વડોદરામાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગ દ્વારા ગરમી અને બફારાને લઈને મહત્વની આગાહી કરવામા આવી છે. અને એમના જણાવ્યા મુજબ હિટવેવની આગાહી નથી જેના કારણે લોકોને ગરમીથી રાહત મળશે. ઉપરાંત આગામી 4 દિવસ વાતાવરણ યથાવત રહેવાની આગાહી કરી છે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

