
રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધના કારણે મેટલના ભાવમાં વધારાથી રાજકોટના ઈમિટેશન ઉદ્યોગને અસર
રાજકોટઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે આયાત-નિકાસ ઠપ થઈ જતાં ક્રુડ અને મેટલના ભાવમાં તોતિંગ વધારો થતાં તેની અસર રાજકોટના ઈમિટેશન ઉદ્યોગ પર પણ પડી છે. છેલ્લા 3 દિવસમાં ધાતુનો ભાવ 1800થી 4000એ પહોચ્યો છે. જેથી રાજકોટનો ઈમિટેશન ઉદ્યોગ કફોડી સ્થિતિમાં મુકાયો છે. અને છેલ્લા માત્ર પાંચ-છ દિવસમાં 40 જેટલા કારખાનાઓમાં કામકાજ ઠપ્પ થયા છે. અને અનેક કારીગરોને છુટ્ટા કરી દેવામાં આવતા બેરોજગાર બન્યા છે. જો આ યુદ્ધ આમ જ ચાલતું રહેશે તો આવનારા દિવસોમાં હજુ પણ અનેક કારખાના બંધ થવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ, રાજકોટની ઇમીટેશન બજારમાં બનેલા દાગીના દેશભરમાં પ્રખ્યાત છે. અને વિદેશોમાં પણ અહીંના ઈમિટેશનનાં દાગીનાની ભારે માંગ છે. પરંતુ રશિયા તેમજ યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધના કારણે આ ઉદ્યોગની માઠી દશા બેઠી છે. હાલ દાગીનાની બનાવટમાં ઉપયોગમાં લેવામાં આવતી જુદી જુદી ધાતુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. રશિયાથી ઇમ્પોર્ટ કરવામાં આવતી નિકલ ધાતુનો ભાવ 3 દિવસ પૂર્વે 1800 હતો. જે આજે 4000 સુધી પહોંચી ચૂક્યો છે. ઉપરાંત કોપરનો પ્રતિ કિલો ભાવ રૂ.700થી વધીને રૂ.900, અલોય મેટલનો ભાવ રૂ. 220થી 380, ઉપરાંત બ્રાસનો ભાવ રૂ.400થી વધીને રૂ.600 સુધી પહોંચતા નાના ધંધાર્થીઓને કમરતોડ ફટકો પડ્યો છે.
સૂત્રોએ દુમાં જણાવ્યું હતું કે, ધાતુઓમાં સતત વધતા જતા ભાવના કારણે રાજકોટમાં છેલ્લા 5 દિવસમાં 40 જેટલા કારખાના ટેમ્પરરી બંધ કરવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. જેના લઈને કારખાનાઓનાં માલિકોની સાથે રોજમદાર તરીકે કામ કરતા કેટલાક લોકોને છુટ્ટા કરવાની ફરજ પડી છે. હાલમાં ધાતુના ભાવમાં તોતિંગ વધારો થતા ઉત્પાદન કોસ્ટમાં જબરો વધારો થયો છે. જેને પરિણામે ભાવો વધતા ગ્રાહકીમાં ઘટાડો નોંધાયો છે. આ કારણે હવે યુધ્ધની પરિસ્થિતિ થાળે પડી જાય તો ધાતુઓના ભાવમાં ઘટાડો નોંધાય તેવી આશાએ હાલ વેપારીઓ માલ મંગાવવાનું ટાળી રહ્યા છે. જેની સીધી અસર પણ ઉત્પાદનકર્તાઓ પર પડી છે. કારખાનેદારોએ અચાનક જ કામદારોને છુટ્ટા કરી દેવામાં આવતા રોજમદારો માટે પોતાનું ગુજરાન ચલાવવુ મુશ્કેલ બની રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ એકતરફથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ બંને દેશ વચ્ચે ક્યારે પરિસ્થિતિ સામાન્ય બનશે તે કહેવું મુશ્કેલ છે. બીજી તરફ યુદ્ધના કારણે વૈશ્વિક સ્તર પર ક્રૂડ અને ધાતુના ભાવમાં તોતિંગ વધારો થતા યુદ્ધની જ્વાળાઓ મોંઘવારીના સ્વરૂપે રાજકોટના ઇમિટેશન બજારને પણ ભરખી રહી છે. ધાતુના ભાવમાં તોતિંગ વધારો આવતા અનેક પ્રોડક્શન હાઉસ બંધ થયા છે. અને જે અમુક ચાલુ છે તે પણ બંધ થવાની શક્યતા છે. ત્યારે કોરોના બાદ માંડ બેઠા થયેલા રાજકોટનાં ઈમિટેશન માર્કેટને લાગેલું આ ગ્રહણ ક્યારે દૂર થશે તે કોઈ કહી શકતું નથી.