
અમદાવાદમાં રોડ માર્કિંગની કામગીરી, બમ્પ અને ઝિબ્રા ક્રોસિંગ પર મશીનથી સફેદ પટ્ટા મરાયાં
અમદાવાદઃ શહેરમાં ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક રૂલ્સનો ભંગ કરનારા વાહન સાલકો સામે ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. સીસીટીવી કેમેરા દ્વારા પણ ઝિબ્રા ક્રોસિંગ પર ઊભા રહેતા વાહન ચાલકોને મેમો મોકલાવવામાં આવી રહ્યો છે. શહેરમાં ઘણાબધા ઝિબ્રા ક્રોસિંગના સફેદ પટ્ટા ભૂંસાઈ ગયેલા છે. ઉપરાંત બમ્પ પર પણ સફેદ પટ્ટા ન હોવાથી વાહનચાલકોને મુશ્કેલી પડતી હોવાની ફરિયાદો ઊઠ્યા બાદ એએમસીના સત્તાધિશોએ મશીન દ્વારા ઝિબ્રા ક્રોસિંગ અને બમ્પ પર સફેદ પટ્ટા લગાવવાના કામનો પ્રારંભ કર્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્રાફિક પ્રોજેકટ વિભાગ દ્વારા પોલીસ સાથે સંકલન કરી શહેરમાં વિવિધ કામગીરી કરવામાં આવતી હોય છે. જેમાં હાલ ટ્રાફિક પ્રોજેકટ વિભાગ દ્વારા રોડ માર્કિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. રોડની વચ્ચે, બમ્પર પર અને ઝિબ્રા ક્રોસિંગ પર થર્મોપ્લાસ્ટિક પેઇન્ટ મારફતે પટ્ટા મારવામાં આવી રહ્યા છે. AMC દ્વારા રૂ. 30 લાખના ખર્ચે બે મશીન ખરીદવામાં આવ્યા છે. જેના દ્વારા આ કામગીરી ઝડપી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી કોન્ટ્રાક્ટરો પાસે ટેન્ડર ઇન્વાઇટ કરી મશીન મંગાવી અને કામગીરી કરાવવામાં આવતી હતી. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે રૂ. 30 લાખના ખર્ચે ઓટોમેટીક થર્મોપ્લાસ્ટિક પેઇન્ટ એપ્લિકેટર મશીનની ખરીદી કરવામાં આવી છે. જેના દ્વારા હવે શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ માર્કિંગ કરવામાં આવી રહ્યું છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ એમ બંને વિસ્તારમાં એક-એક મશીનને કાર્યરત કરવામાં આવ્યા છે.
એએમસીના ટ્રાફિક પ્રોજેક્ટ વિભાગના એક અધિકારીના કહેવા મુજબ ઓટોમેટીક થર્મોપ્લાસ્ટિક પેઇન્ટ એપ્લિકેટર મશીનમાં સીસીટીવી કેમેરા અને જીપીએસ સિસ્ટમ પણ લગાવેલી છે. જેથી અધિકારીઓ દ્વારા આ મશીન દ્વારા યોગ્ય રીતે કામગીરી કરવામાં આવી રહી છે કે કેમ? તેનું સતત મોનિટરિંગ મોબાઇલમાં પણ કરી શકાશે. શહેરમાં રોડ માર્કિંગ માટે અત્યાર સુધી મેન્યુઅલ મશીન પદ્ધતિ કરી અને કામગીરી કરવામાં આવતી હતી, જેના કારણે ધીમી ગતિથી કામ થતું હતું. પરંતુ હવે આ ઓટોમેટીક મશીન લાવવાના કારણે ઝડપથી રોડ માર્ગની કામગીરી કરવામાં આવશે.