
રાજકોટઃ ગુજરાતમાં વરસાદને લીધે રોડ-રસ્તાઓ અને બ્રિજ પર ગાબડાં પડવાના બનાવો બની રહ્યા છે. જેમાં જસદણના બાયપાસ રોડ પર આવેલા ભાદર નદીના પુલ પર સળિયા દેખાવા લાગ્યા છે. આ પુલમાં ખાડાઓ પડી ગયા હોવાથી આ પુલ ગમે ત્યારે ગંભીર દુર્ઘટના સર્જી શકે તેમ છે. વરસાદના લીધે ધોવાયેલા આ પુલ પરથી દરરોજ હજારો વાહનોની અવરજવર રહે છે. છતાં તંત્ર દ્વારા પુલની મરામત માટે પણ કોઈ પગલાં લેવાયા નથી.
જસદણના બાયપાસ રોડ પર આવેલા ભાદર નદી પરનો પુલ 1998 માં બનેલો છે. આ પુલનું થોડા મહિના પહેલા જ તંત્ર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પેચવર્ક કામ કરાયું હતું. જે વરસાદમાં ધોવાઈ જતા હાલ પુલના સળિયા દેખાવા લાગ્યા છે. છતાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને આ જર્જરિત પુલ દેખાતો જ નથી. ભૂતકાળમાં અનેક જગ્યાએ પુલ ધરાશાયી થયાની ઘટના બનેલી તે હજુ લોકો ભૂલ્યા નથી. આ પુલ જસદણ-અમદાવાદ હાઈ-વેને જોડતો મુખ્ય પુલ હોવાથી દરરોજ હજારો નાના-મોટા વાહનોની અવરજવર થયા કરે છે. છતાં આ જોખમી પુલ પરથી વાહન વ્યવહાર ચાલુ રાખી તંત્ર કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.
જસદણના સ્થાનિક લોકોના કહેવા મુજબ ભાદર નદી પરનો આ પુલ ખુબ જૂનો હોવાથી જ્યારે પણ આ પુલમાં ગાબડાઓ પડે છે, ત્યારે તંત્ર દ્વારા તેની યોગ્ય મરામત કરવાના બદલે માત્ર થિંગડા મારીને કામ કર્યાનો સંતોષ માનવામાં આવે છે. જેથી આ પુલ અકસ્માતે ધરાશાયી થાય અને જાનમાલની ખુવારી થાય તે પૂર્વે જવાબદાર તંત્રએ જાગવાની તાતી જરૂર છે. જો આ પુલ તુટશે તો મોટો ગોજારો અકસ્માત પણ સર્જાઈ શકે છે.
જસદણના બાયપાસ રોડ પરનો ભાદર નદી ઉપરનો પુલ છેલ્લા ઘણા સમયથી અતિ જોખમી હાલતમાં ફેરવાઈ ગયો છે, અને આ પુલ પરથી સરકારી બાબુઓ પણ સરકારી વાહનો લઈને પસાર થાય છે. છતાં તંત્રને આ બિસ્માર પુલની કફોડી હાલત દેખાતી નથી. હાલ આ પુલ પત્તાની માફક ધ્રુજી રહ્યો છે. છતાં જવાબદાર સરકારી બાબુઓ આંખ આડા કાન કરી રહ્યા હોવાથી વાહનચાલકોમાં અકસ્માતનો ભય વધ્યો છે. જો આ બિસ્માર પુલના લીધે કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેના જવાબદાર કોણ? તેવા આ પુલ પરથી પસાર થતા વાહનચાલકોમાં સવાલો ઉઠી રહ્યા છે.