Homeગુજરાતીભારતીય ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા

ભારતીય ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા

નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી 2026: ભારતીય ક્રિકેટ ટીમના આક્રમક બેટ્સમેન રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું શુક્રવારે વહેલી સવારે અવસાન થયું હતું. તેઓ છેલ્લા ઘણા સમયથી લિવર કેન્સર જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. ગ્રેટર નોઈડાની યથાર્થ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા, જેનાથી રિંકુ સિંહના પરિવાર સહિત રમત જગતમાં શોકની લહેર પ્રસરી ગઈ છે.

મળતી માહિતી મુજબ, ખાનચંદ સિંહને ચોથા સ્ટેજનું લિવર કેન્સર હતું અને છેલ્લા કેટલાક દિવસોથી તેમની હાલત અત્યંત નાજુક હતી. 21 ફેબ્રુઆરીના રોજ તબિયત વધુ લથડતા તેમને ગ્રેટર નોઈડાની ખાનગી હોસ્પિટલ ‘યથાર્થ’માં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, શુક્રવારે વહેલી સવારે 4:36 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સવારે 5 વાગ્યે નિધનની સત્તાવાર પુષ્ટિ થયા બાદ પરિવારજનો પાર્થિવ દેહ લઈને વતન જવા રવાના થયા હતા.

પિતાની તબિયત બગડવાના સમાચાર મળતા જ રિંકુ સિંહ ચેન્નાઈમાં ટીમ ઈન્ડિયાનો કેમ્પ છોડીને તાત્કાલિક ઘરે પહોંચ્યો હતો. ટી-20 વર્લ્ડ કપના મહત્વના તબક્કે તે પ્રેક્ટિસ સેશન છોડીને પરિવાર પાસે આવ્યો હતો. પારિવારિક જવાબદારીઓ નિભાવી રિંકુ 25 ફેબ્રુઆરીએ ફરી ચેન્નાઈ પહોંચ્યો અને ટીમ સાથે જોડાયો હતો. જોકે, ગઈકાલે (26 ફેબ્રુઆરી) ઝિમ્બાબ્વે સામેના સુપર-8 મુકાબલામાં તે પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહોતો અને સબસ્ટિટ્યૂટ ખેલાડી તરીકે ડગઆઉટમાં હાજર રહ્યો હતો.

રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહ ગેસ સિલિન્ડર ડિલિવરીનું કામ કરતા હતા. પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે રિંકુ સહિત પાંચેય ભાઈઓ પિતાને કામમાં મદદ કરતા હતા. તેઓ બાઈક પર બે-બે સિલિન્ડર લાદીને ઘર અને હોટેલો સુધી પહોંચાડતા હતા.

“ક્રિકેટ રમવા માટે પણ રિંકુએ ઘણો સંઘર્ષ કર્યો છે. મહોલ્લાના મિત્રો પાસેથી પૈસા ઉઘરાવીને બોલ ખરીદવા પડતા હતા. આજે રિંકુ ભલે સ્ટાર હોય, પણ તેની આ સફળતાનો પાયો તેના પિતાનો અવિરત સંઘર્ષ અને ત્યાગ છે.” રિંકુ સિંહની આઈપીએલ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સફળતા પાછળ તેના પિતાના આશીર્વાદ અને મહેનત હંમેશા ચર્ચાનો વિષય રહી છે. પિતાના અવસાનથી રિંકુ સિંહ પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

આ પણ વાંચોઃ ફાઈટર હેલિકોપ્ટર પ્રચંડમાં ઉડાન ભરનારા પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા દ્રૌપદી મુર્મૂ

સંબંધિત લેખો

Most Popular