
રશિયાએ એસ-400 મિસાઈલની પહેલી રેજીમેન્ટ ભારત પહોંચાડી
- ભારતની તાકાતમાં થયો વધારો
- રશિયાએ એસ-400ની મિસાઈલની ભારતને આપી
- પહેલી રેજીમેન્ટ ભારત પહોંચી
નવી દિલ્હી: ચીન અને પાકિસ્તાનથી વધતા જતા દેશના જોખમને ધ્યાનમાં રાખીને ભારતે થોડા સમય પહેલા રશિયા પાસેથી એસ-400 મિસાઈલ ખરીદવાનો નિર્ણય કર્યો હતો, હવે તેની ડિલીવરી શરૂ થઈ ગઈ છે. રશિયા દ્વારા ભારતને પહેલી રેજીમેન્ટ પહોંચાડી દેવામાં આવી છે.
જાણકારી અનુસાર 10 દિવસ પછી શરૂ થઈ રહેલા નવા વર્ષ 2022માં તેની તૈનાતી દેશના ઉત્તર ક્ષેત્રમાં કરવાની સંભાવના છે, જ્યાથી તે ચીન સાથે પાકિસ્તાન તરફથી પણ કોઈ પણ પ્રકારના હવાઈ હુમલા રોકી દેશની સુરક્ષા કરી શકશે. S-400ની બીજી રેજિમેન્ટ આવતા વર્ષે જૂન 2022 સુધી ભારત પહોંચવાની સંભાવના છે. ત્યારે ભારત પોતાની S-400 ની બંને રેજિમેન્ટ્સને લદાખ અને અરુણાચલ પ્રદેશની સુરક્ષા માટે તૈનાત કરી શકે છે.
ભારતે 5 ઓક્ટોબર, 2018ના રોજ રશિયા સાથે 5.43 બિલિયન ડોલર અથવા લગભગ 39,000 કરોડ રૂપિયાનો S-400 ની પાંચ રેજિમેન્ટ માટે સોદો કર્યો હતો. ચીન અને પાકિસ્તાનના હવાઈ હુમલાનો સામનો કરવા માટે ભારતને આ પ્રકારની એર ડિફેન્સ સિસ્ટમની ખૂબ જ જરૂર છે.
ઉલ્લેખનીય છે કે,S 400 ની ગણતરી વિશ્વની સૌથી સારા એર ડિફેન્સ સિસ્ટમમાં થાય છે. ઘણા અર્થમાં S 400 અમેરિકાના મિસાઇલ ડિફેન્સ સિસ્ટમથી ચઢિયાતી છે. તેના દ્વારા મિસાઈલ, ફાઈટર એરક્રાફ્ટ, રોકેટ્સ અહીં સુધી કે ડ્રોન હુમલાથી પણ બચી શકાય છે. તેની દરેક રેજિમેન્ટમાં 8 લોન્ચર હોય છે. તેના દરેક લોન્ચરમાં 4 મિસાઈલ હોય છે. એટલે એક રેજિમેન્ટમાં એક વખતમાં 32 મિસાઈલ ફાયર કરી શકે છે.