સલમાન ખુર્શીદનાં પત્નીની મુશ્કેલીમાં વધારો: EDએ મની લોન્ડરિંગ કેસમાં ચાર્જશીટ દાખલ કરી
લખનૌ: કેન્દ્રીય તપાસ એજન્સી પ્રવર્તન નિદેશાલય (ED) એ સરકારી ભંડોળના દુરુપયોગ અને મની લોન્ડરિંગના ગંભીર કેસમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદના પત્ની લુઈસ ખુર્શીદ વિરુદ્ધ ગાળિયો મજબૂત કર્યો છે. EDના લખનૌ ઝોનલ કાર્યાલય દ્વારા વિશેષ અદાલતમાં દાખલ કરવામાં આવેલી ‘પ્રોસિક્યુશન કમ્પ્લેઇન્ટ’ (ચાર્જશીટ) પર કોર્ટે ગંભીરતાથી નોંધ લીધી છે. આ મામલામાં લુઈસ ખુર્શીદ ઉપરાંત મોહમ્મદ અથર અને ડૉ. ઝાકિર હુસૈન મેમોરિયલ ટ્રસ્ટને આરોપી બનાવવામાં આવ્યા છે.
EDની તપાસમાં સનસનાટીભર્યો ખુલાસો થયો છે કે, ડૉ. ઝાકિર હુસૈન મેમોરિયલ ટ્રસ્ટને કેન્દ્ર સરકાર તરફથી દિવ્યાંગો માટે કૃત્રિમ અંગો અને સાધનો વિતરણ કરવા માટે રૂ. 71.50 લાખની ગ્રાન્ટ મળી હતી. આરોપ છે કે, આ રકમનો ઉપયોગ નિર્ધારિત હેતુ માટે કરવાને બદલે લુઈસ ખુર્શીદ, પ્રત્યુષ શુક્લા અને મોહમ્મદ અથર દ્વારા ટ્રસ્ટ તેમજ પોતાના અંગત ફાયદા માટે ડાયવર્ટ કરવામાં આવી હતી.
EDએ આ કેસમાં કડક કાર્યવાહી કરતા અગાઉથી જ રૂ. 45.92 લાખની મિલકતો કામચલાઉ ધોરણે જપ્ત કરી છે. જેમાં ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદમાં આવેલી 29.51 લાખની કિંમતની 15 ખેતીલાયક જમીનો અને ટ્રસ્ટના ચાર બેંક ખાતામાં જમા 16.41 લાખ રૂપિયાનો સમાવેશ થાય છે. એજન્સીએ કોર્ટ સમક્ષ આ તમામ મિલકતો કાયમી ધોરણે જપ્ત કરવા અને આરોપીઓને કડક સજા કરવાની માગ કરી છે.
આ સમગ્ર કેસની શરૂઆત ઉત્તર પ્રદેશ પોલીસની આર્થિક ગુના શાખા (EOW) દ્વારા દાખલ કરવામાં આવેલી 17 FIR થી થઈ હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે દિવ્યાંગો માટે કેમ્પ લગાવવાના નામે માત્ર કાગળ પર જ કાર્યવાહી કરવામાં આવી હતી. લખનૌની વિશેષ PMLA અદાલતે 25 નવેમ્બર 2025 ના રોજ EDની આ ચાર્જશીટ પર સંજ્ઞાન લીધું છે, જેના કારણે આગામી દિવસોમાં લુઈસ ખુર્શીદની મુશ્કેલીઓ વધી શકે છે.


