
પોરબંદર: પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી તથા પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી બાવળીયાએ કુતિયાણા ખાતે અંદાજે રૂ. 4 કરોડના ખર્ચે બનેલા પંચાયત વિભાગ હસ્તકના પોરબંદર જિલ્લાના તાલુકા પંચાયત કચેરી કુતિયાણાનું તથા અંદાજે રૂ. 32 લાખના ખર્ચે બનેલા મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તકના તાલુકા ઘટક કચેરી કુતિયાણાનું લોકાર્પણ કુતિયાણા ખાતે કર્યું હતું. આ પ્રસંગ્રે કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ સતત આગળ વધી રહ્યો છે તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યનો સતત વિકાસ થઈ રહ્યો છે. ગામડું સમૃદ્ધ અને ગોકુળીયુ બને તે માટે રાજ્ય સરકાર વિકાસની હારમાળા લઈને છેવાડાના માનવીઓ સુધી પહોંચે છે. આ તકે મંત્રીએ વિશેષમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર-કચ્છના સૂકા પંથકની પીવાના પાણીની સમસ્યા ભૂતકાળ બની ગઈ છે વર્તમાન સરકારના પ્રયાસોથી મા નર્મદાનું પાણી ઘરે ઘરે મળી રહ્યું છે. નવા બનેલા બંને સરકારી બિલ્ડીંગમા તાલુકાના લોકોને કૃષિ, શિક્ષણ, જન સેવા કેન્દ્ર, ઈ-ગ્રામ સહિતની સેવાઓ મળી રહેશે.
સાંસદ રમેશભાઈ ધડુકે આ તકે જણાવ્યું હતું કે, અંદાજે ચાર કરોડના ખર્ચે તૈયાર થયેલ તાલુકા પંચાયતનું ભવન તાલુકાના ગામડાઓના વિકાસમાં ખૂબ જ ઉપયોગી નીવડશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે ગામડાઓને સમૃદ્ધ કરવા શહેર જેવી સુવિધાઓ ગામડામાં મળી રહે તે માટે સરકાર આયોજનબદ્ધ કામગીરી કરી રહી છે.
જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન રમેશભાઈ ઓડેદરાએ જણાવ્યું હતું કે, ઘેડ પંથકના વિકાસમાં વર્તમાન સરકારનું ખૂબ જ યોગદાન મળી રહ્યું છે. પસવારી રોડ પર બનેલા તાલુકા પંચાયત નું નવું બિલ્ડીંગ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તકના તાલુકા ઘટક કચેરીનું નવા બિલ્ડીંગમા તાલુકાના લોકોને સરકારની વિવિધ સેવાઓ મળી રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેવાડાના માનવીઓ સુધી વિકાસના ફળો મળી રહ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠક્કરે સ્વાગત પ્રવચનમાં નવા બિલ્ડીંગની રૂપરેખા આપી હતી. રાજ્ય સરકાર- જિલ્લા પંચાયત દ્વારા વિકાસના આવા નવા ઉપક્રમો અને વિકાસ કાર્યોને લીધે અહીં ઉપલબ્ધ થનાર વિવિધ સુવિધાઓ અંગેની પણ રૂપરેખા આપી હતી.