
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન કેટલાક વિસ્તારોમાં સારોએવો વરસાદ પડ્યો છે. તેના લીધે ભાદર, આજી સહિત 29 ડેમમાં નવા નીરની આવક થઈ છે. જેમાં રાજકોટના જીવાદોરી સમાન આજી, ભાદર, ન્યારી, સોડવદર, ફોફળ, મોજ સહિતના ડેમોનો સમાવેશ થાય છે. આજી-2, ન્યારી-2 અને ભાદર-2 ડેમના દરવાજા ખોલી પાણીની સપાટી જાળવવામાં આવી રહી છે. તેમજ મોરબી જિલ્લાનો સસોઈ-2 અને વગડિયા ડેમ 100% ભરાય ગયો છે.
સિંચાઈ વિભાગના સૂત્રોના કહેવા મુજબ સૌરાષ્ટ્રના 18 ડેમમાં 50%થી વધુ જળસપાટી છે. જ્યારે 4 ડેમની સ્થિતિ ખાલીખમ જોવા મળી રહી છે અને દ્વારકાનો વાંસલ ડેમ તેમજ મોરબી જિલ્લાનો સસોઈ-2 અને વગડિયા ડેમ 100% ભરાઈ ગયો છે. રાજકોટ જિલ્લાના આજી-2, ન્યારી-2 અને ભાદર-2 ડેમના દરવાજા ખોલી પાણીની સપાટી જાળવવામાં આવી રહી છે.
આ ઉપરાંત રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ન્યારી 2 ડેમ 70% ભરાતા પાણીનું લેવલ જાળવવા પાણી છોડવામાં આવી શકે છે. આથી નદીના પટમાં આવેલા પડધરી તાલુકાના ખામટા ગામના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા અને નદીના પટમાં તથા કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લાને સિંચાઈ માટે ઉપયોગી આજી-2 ડેમની સપાટી પણ હાલ 73.29% એટલે કે, 25.90 ફૂટની જળ સપાટી છે અને તેના 3 દરવાજા 0.15 મીટર ખોલવામાં આવ્યા છે. જ્યારે ઉપલેટા નજીકનો ભાદર-2 ડેમ 81% એટલે કે, 21.50 ફૂટ ભરેલો હોવાથી તેનો પણ એક દરવાજો 0.75 મીટર ખોલવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જુનાગઢ. પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. દરમિયાન રાજકોટ શહેર અને જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે સીઝનનો કુલ વરસાદ 9.75 ઈંચ નોંધાઇ ચબક્યો છે. જેના કારણે રાજકોટ શહેરના ભાદર, આજી અને ન્યારી ડેમમાં નોંધપાત્ર પાણીની આવક થઈ છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાદર ડેમમાં વરસાદી આવક થતા છેલ્લા 24 કલાકમાં 2.20 ફૂટ નવા નીરની આવક થતા ભાદર ડેમની સપાટી 17.30 ફૂટ પહોંચી છે. જ્યારે રાજકોટ શહેરના જીવાદોરી સમાન આજી 1 ડેમની સપાટી 20.30 ફૂટ પહોંચી છે અને નવા રાજકોટને પાણી પૂરું પાડતા ન્યારી-1 ડેમમાં નવા નીરની આવક થતા સપાટી 14.60 ફૂટ પહોંચી છે.