
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં લોકમેળાનું સૌથી વધુ મહાત્મ્ય છે. શ્રાવણ મહિનામાં અને ખાસ કરીને જન્માષ્ટમીના પર્વમાં ગામેગામ લોકમેળાઓ યોજાતા હોય છે. રાજકોટમાં તો 5 દિવસનો મેળો યોજવામાં આવે છે. શ્રાવણ મહિનામાં સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવજીના દર્શન માટે મોટી સંખ્યામાં યાત્રાળિંઓ ઉમટી પડતા હોય છે. અને એક મહિના સુધી લોકમેળો યોજવામાં આવે છે. રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ઘેલા સોમનાથમાં લોકમેળાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લોકમેળા અન્વયે ઘેલા સોમનાથ મંદિર હસ્તકના ગોડલાધાર રોડ, મોઢુકા રોડ, નવાગામ રોડ તેમજ કાળાસર રોડ પરના પાર્કિંગ, તેમજ મંદિર પરિસર આસપાસના તમામ 127 સ્ટોલ અને ઘેલા સોમનાથ શોપિંગ મોલની કુલ 15 દુકાનો તા.5 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી ભાડે આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેની હરાજી તા.19મીના રોજ ઘેલા સોમનાથ મંદિર ખાતે બપોરના 3.00 કલાકે યોજાશે.
રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકાના સોમપીપળિયા ખાતે આવેલા ઘેલા સોમનાથ મંદિર ખાતે આખા શ્રાવણ માસ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. જ્યાં શ્રાવણ માસ દરમિયાન લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. લોકમેળા અન્વયે ઘેલા સોમનાથ મંદિર હસ્તકના ગોડલાધાર રોડ, મોઢુકા રોડ, નવાગામ રોડ તેમજ કાળાસર રોડ પરના પાર્કિંગ, તેમજ મંદિર પરિસર આસપાસના તમામ 127 સ્ટોલ અને ઘેલા સોમનાથ શોપિંગ મોલની કુલ 15 દુકાનો તા.5 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી ભાડે આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેની હરાજી તા.19મીના રોજ ઘેલા સોમનાથ મંદિર ખાતે બપોરના 3.00 કલાકે યોજાશે. તમામ જગ્યાની હરાજીની અપસેટ કિંમત કુલ રૂ.35 લાખ રાખવામાં આવી છે.
આ હરાજીમાં જોડાવા માટે અગાઉ સ્થળ પર જઈને તમામ જગ્યાનું સ્થળ નિરીક્ષણ જે-તે પાર્ટીએ કરી લેવાનું રહેશે. જગ્યા જે સ્થિતિમાં છે તે જ સ્થિતિમાં ઉપયોગ કરવાનો રહેશે અને મંદિર ટ્રસ્ટને પરત સોંપવાનું રહેશે. જ્યાં વીજ કનેક્શનની જરૂરિયાત હશે તે જગ્યાએ લાઈટ કનેક્શન જે તે પાર્ટીએ લેવાનું રહેશે. વીજ કનેક્શન મેળવવા માટે મંદિર ટ્રસ્ટ તરફથી સહયોગ આપવામાં આવશે. તમામ સ્થળની હરાજી અલગ-અલગ કરવામાં આવશે.