ગાંધીનગર, 27 માર્ચ, 2026 – ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના સચિવ પી. ભારતી તથા ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વી. કે. પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
સાયન્સ કાર્નિવલમાં વિવિધ આધુનિક ગેલેરીઓ અને આકર્ષક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીના નવીન પ્રયોગો, શોધો અને ઇનોવેશનને રસપ્રદ રીતે રજૂ કરવામાં આવ્યા છે. મહાનુભાવોએ વિવિધ ગેલેરીઓની મુલાકાત લઇ પ્રદર્શનો નિહાળ્યા અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો.

આ કાર્યક્રમમાં રાજ્યભરની વિવિધ શાળાઓમાંથી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઇ રહ્યા છે. આ કાર્નિવલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવો, નવીનતા પ્રત્યે રસ જગાવવો અને શીખવાની પ્રેરણા આપવાનો છે.
આ પણ વાંચોઃ ગુજરાતઃ ૧૩.૯૬ લાખ વિદ્યાર્થીઓના ખાતામાં રૂ. ૩૫૪ કરોડની શિષ્યવૃત્તિ DBTથી જમા
સાયન્સ કાર્નિવલ 2026 અંતર્ગત વિવિધ વર્કશોપ, લાઇવ ડેમો, ઇન્ટરએક્ટિવ એક્ઝિબિટ્સ અને વિશેષ આકર્ષણરૂપે ભવ્ય ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું છે, જે મુલાકાતીઓને અનોખો અને યાદગાર અનુભવ પ્રદાન કરશે.
ગુજરાત સાયન્સ સિટી દ્વારા આયોજિત આ કાર્નિવલ જ્ઞાન અને મનોરંજનનું અનોખું સંયોજન બની દરેક વયના લોકો માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યો છે.


