NMC ના નિયમોનો ભંગ કરવા બદલ 40 મેડિકલ કોલેજોનું જોડાણ રદ કરાયું: સૂત્રો
દિલ્હી ; નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા નિર્ધારિત ધોરણોનું કથિતપણે પાલન ન કરવા બદલ દેશભરની લગભગ 40 મેડિકલ કોલેજોએ છેલ્લા બે મહિનામાં તેમનું જોડાણ ગુમાવ્યું છે.
સત્તાવાર સૂત્રોએ મંગળવારે જણાવ્યું હતું કે, તમિલનાડુ, ગુજરાત, આસામ, પંજાબ, આંધ્રપ્રદેશ, પુડુચેરી અને પશ્ચિમ બંગાળમાં લગભગ 100 વધુ મેડિકલ કોલેજો પર આવી જ કાર્યવાહી કરવામાં આવી શકે છે.
સરકારી આંકડાઓ અનુસાર, 2014 પછી મેડિકલ કોલેજોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આરોગ્ય રાજ્ય મંત્રી ભારતી પ્રવીણ પવારે ફેબ્રુઆરીમાં રાજ્યસભામાં જણાવ્યું હતું કે 2014માં 387 મેડિકલ કોલેજ હતી, પરંતુ હવે તેમની સંખ્યા 69 ટકાના વધારા સાથે 654 થઈ ગઈ છે.
આ ઉપરાંત, 2014 પહેલા MBBSની 51,348 બેઠકો હતી તે 94 ટકા વધીને હવે 99,763 થઈ ગઈ છે. PG સીટો 2014 પહેલા 31,185 સીટોથી 107 ટકા વધીને હવે 64,559 થઈ ગઈ છે.