 
                                    અમદાવાદના જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં સિનિયર સિટિઝન્સે કેક કાપી મનાવ્યો વેલેન્ટાઈન ડે,
અમદાવાદઃ દેશ અને દુનિયામાં વેલેન્ટાઈનનો દિન પ્રેમની અભિવ્યક્તિ કરવા માટે મનાવાતો હોય છે. વેલેન્ટાઈન ડે માત્ર પ્રેમીઓ જ નહીં , પણ એક મિત્ર, ભાઈ, બહેન, માતા-પિતા, દાદા-દાદી માટે એકબીજા પ્રત્યે પ્રેમ, વિશ્વાસ અને અતૂટ સબંધ ધરાવતા લોકો તેમના પ્રેમની લાગણીઓને એકબીજા સમક્ષ જાહેર કરી આ દિવસને મનાવતા હોય છે. ત્યારે અમદાવાદના નારણપુરામાં આવેલા જાણીતા જીવન સંધ્યા ઘરડા ઘર (વૃદ્ધાશ્રમ)માં વેલેન્ટાઇન ડે નિમિત્તે અનોખી ઊજવણી કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા જીવન સંધ્યા ઘરડા ઘરમાં ઘરના સભ્યોથી તરછોડાયેલા પોતાના જીવન સંધ્યાની સફર માણતા દાદા-દાદી માટે વેલેન્ટાઈન ડે ને મનાવી અનોખી રીતે તેમના ચહેરા પર સ્મિત રેલાવવા રોયલ ગ્રૂપના ધ્રુમલ ટેકચનદાની અને સૈફ અન્સારી દ્વારા પ્રી વેલેન્ટાઈન કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મનમૂકી એક આત્મીયતા અને સાથના સહકારે પોતાના પ્રેમની અભિવ્યક્તિઓની ઉજવણી કરવામાં આવી હતી. ઘણાબધા સિનિયર સિટિઝન્સે પોતાનો યૌવનકાળ યાદ કરતાં જ તેમની આંખમાં આંસુ જોવા મળ્યા હતા. ઘણા વૃદ્ધોએ એકબીજાના હાથ પકડીને ડાન્સ પણ કર્યો હતો.
કહેવાય છે કે, જ્યાં પ્રેમ હોય ત્યાં ઉમર ન હોય અને ઘરડાઘરમાં પોતાના બાકી જીવનના દિવસો વિતાવતા આ વડીલો પણ એક સ્મિત, ઉત્સાહ અને અભિવ્યક્તિના હકદાર છે. ભલે સમાજ, પોતાના વહાલાઓ તેમને તરછોડી દે, પરંતુ તેમનો જુસ્સો, પ્રેમ, સહકાર માર્ગદર્શન હંમેશા જ્વલંત જ રહેતું હોય છે. તેઓ પણ પોતાની લાગણીઓને રજૂ કરી આજના યુવાઓને સાચા પ્રેમની પરિભાષા શીખવાડી જાય છે. ખરેખર આવા સમયમાં એકબીજા સાથે રહી જીવનના સથવારે રહેતા વૃધ્ધો અને આવા વડીલોના ચહેરાઓ પર સ્મિત ફેલાવના કાર્ય કરનારા જ એકબીજાના સાચા વેલેન્ટાઈન છે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

