
સેન્સેક્સ પ્રથમ વખત 80,000 ની ઉપર બંધ થયો, BSE માર્કેટ કેપ રૂ. 447.43 લાખ કરોડની ઐતિહાસિક ટોચ પર
મુંબઈઃ ભારતીય શેરબજાર સતત નવી વિક્રમી ઊંચાઈએ બંધ થયું હતું, ગુરુવાર 4 જુલાઈએ પણ તેજીનો ટ્રેન્ડ ચાલુ રહ્યો હતો. બજારમાં આ ઉછાળો આઈટી અને ફાર્મા શેરોમાં ખરીદીને કારણે હતો. આજના સત્રમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોના સૂચકાંકોમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 63 પોઈન્ટના ઉછાળા સાથે 80,049.67 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. આ પહેલીવાર છે, જ્યારે સેન્સેક્સ 80,000ની ઉપર બંધ થયો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 17.55 પોઈન્ટના ઉછાળા સાથે 24,302 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.
ભારતીય શેરબજારના માર્કેટ કેપમાં આજે પણ અદભૂત ઉછાળો જોવા મળ્યો છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 447.43 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું, જે અગાઉના સત્રમાં રૂ. 445.43 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું. આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 2 લાખ કરોડનો ઉછાળો આવ્યો હતો.
આજે એટલે કે 4 જુલાઈએ બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી બંને ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા હતા. સેન્સેક્સ 334.99 પોઈન્ટના વધારા સાથે 80,331 પર ખુલ્યો હતો. આ તેનું અત્યાર સુધીનું સર્વકાલીન ઉચ્ચ સ્તર છે. નિફ્ટી પણ 83.45 પોઈન્ટ વધીને 24,372ની નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો હતો. એશિયન બજારોમાં ગ્રોથ જોવા મળી રહ્યો છે. જાપાનનો નિક્કેઈ 0.21% ઉપર છે. તાઇવાન વેઇટેડ 1.33% અને કોરિયાનો કોસ્પી 0.59% ઉપર છે. હેંગસેંગ 0.43% વધીને કારોબાર કરી રહ્યો છે. જોકે, શાંઘાઈ કમ્પોઝિટમાં 0.16%નો ઘટાડો જોવા મળી રહ્યો છે.
બુધવારે અમેરિકન માર્કેટમાં તેજી રહી હતી. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 23.85 (0.06%) પોઈન્ટ વધીને 39,308 થઈ. NASDAQ 159.54 (0.88%) પોઈન્ટના વધારા સાથે 18,188ના સ્તરે બંધ રહ્યો હતો. S&P 500 ઈન્ડેક્સ 28.01 (0.51%) પોઈન્ટ વધીને 5,537 પર બંધ થયો હતો. NSE પર ઉપલબ્ધ કામચલાઉ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs)એ બુધવારે એટલે કે 3 જુલાઈના રોજ રૂ. 5483 કરોડના શેર ખરીદ્યા હતા. આ સમયગાળા દરમિયાન ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DII)એ રૂ. 924 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.