
ચોટિલા તાલુકાના ઝીંઝુડા ગામે પીવાના પાણીની વિકટ સમસ્યા, મામલતદારને રજુઆત
સુરેન્દ્રનગરઃ ઝાલાવાડના મોટાભાગના ગામોને નર્મદાના પાણીનો લાભ મળી રહ્યો છે. જ્યારે કેટલાક ગામોને હજુ નર્મદાના નીરના દર્શન થયા નથી. ઘણા ગામોમાં ઉનાળાની શરૂઆતથી જ પાણીની સમસ્યા સર્જાતી હોય છે. જેમાં ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામે પીવાના પાણીની સમસ્યાને લીધે લોકો સહિત પશુઓને પણ પરેશાની થઇ રહી છે.જેને લઇ મહિલાઓએ મામલતદાર કચેરીએ રોષ સાથે રજૂઆત કરીને પાણીની સમસ્યા દુર કરવા માંગ કરી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક ગામમાં ર્નદાના નીર પહોચાડવામાં આવ્યા છે. જેને કારણે ઉનાળાના કપરા દિવસોમાં ગામડાના લોકોની પાણીની સમસ્યા હળવી બની છે.પરંતુ ચોટીલા પંથકના ગામોમાં હજુ સુધી નર્મદાના નીર પહોચાડવામાં આવ્યા નથી. જેને લઇને પાણીની સમસ્યા લોકો માટે કાયમી બની જાય છે. અને ઉનાળામાં પાણીની મુશ્કેલી વધી જતી હોય છે. આવા સમયે ઝીંઝુંડા ગામના લોકોની પાણી વગર હાલત કફોડી બની ગઇ છે. બોર અને કૂવામાં પણ પાણી ઊંડા ઉતરી ગયા છે. ગામની મહિલાઓએ રજૂઆત કરતા જણાવ્યુ હતુ કે ઝીંઝુડા ગામમાં પાણીનો કકળાટ રોજિંદો બની ગયો છે. આ ગામમાં તંત્ર દ્વારા પૂરતું પાણી આપવામાં ન આવતા મહિલાઓ રોષે ભરાઇ હતી. ગામની મહિલાઓએ ચોટીલા મામલતદાર સમક્ષ રજૂઆત કરી સત્વરે પાણીની સમસ્યા હલ કરવાની માગણી કરી હતી.
મહિલાઓએ મામલતદારને એવી રજુઆત કરી હતી. કે, ઝીંઝુડા ગામ આશરે 4,000 થી વધુ વસ્તી ધરાવે છે. અહીં પીવાના પાણી અને પશુઓને પાણી પીવડાવવા મહિલાઓએ આજુબાજુ વિસ્તારમાં પાણી માટે વલખા મારવા મજબૂર થવું પડે છે. ચોટીલા મામલતદાર દ્વારા મહિલાઓને પાણીની સમસ્યા ઉકેલવાની બાહેધરી આપી હતી.