
અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસએ બનાસકાંઠાની બેઠક જીતીને ભાજપના ક્લિનસ્વીપને બ્રેક મારી છે. ઉપરાંત ઘણીબધી બેઠકો પર કોંગ્રેસે ભાજપને ટક્કર આપી હતી. ચૂંટણીમાં જે આગેવાનો અને કાર્યકરોએ તમન-મનથી કાર્ય કર્યું છે, તેમની કદર કરીને સંગઠનમાં સ્થાન આપવા માટે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રયાસો શરૂ કર્યા છે. અને દિલ્હી હાઈ કમાન્ડની મંજુરી મેળવીને પ્રદેશ કોંગ્રેસના સંગઠનમાં નવી ટીમ બનાવાશે. એવું કોંગ્રેસના સૂત્રો કહી રહ્યા છે.
લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હી પહોંચી ગયા હતા. અને પ્રદેશના સંગઠનમાં જે ખાલી જગ્યાઓ પડી છે. ત્યા સત્વરે નિમણુંક કરવાની માગ કરી હતી. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના કેટલાક નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે. આવા સંજોગોમાં પ્રદેશ સંગઠન અને જિલ્લા સ્તરના સંગઠનમાં ખાલી જગ્યાઓ પણ પડી છે. આ ઉપરાંત લોકસભાની ચૂંટણીમાં જેમણે સારી કામગીરી કરી છે તેમને શિરપાવ આપવા માટે પણ સંગઠનમાં ફેરફાર આવશ્યક છે. આથી આગામી દિવસોમાં કોંગ્રેસના પ્રદેશ અને જિલ્લા સ્તરના સંગઠનમાં ફેરફાર આવશે.
પ્રદેશ કોંગ્રેસના સૂત્રોના કહેવા મુજબ લોકસભાની ચૂંટણી પુરી થઇ ગઇ છે. આગામી દિવસો સ્થાનિક સ્વરાજની ચૂંટણી નિશ્વિત છે. ત્યારે સ્થાનિક ચૂંટણીને ધ્યાનમાં રાખીને પણ સંગઠનમાં ફેરફાર કરવો જરૂરી છે. આથી પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલ આગામી દિવસોમાં આ મુદ્દે નિર્ણય કરે તેવી શક્યતા છે. સૌ પ્રથમ પ્રદેશ સંગઠનમાં ફેરફાર કરવામાં આવશે, ત્યારબાદ જિલ્લા સ્તરના સંગઠનમાં ફેરફાર કરવામાં આવશે. કોંગ્રેસના નેતાઓ અર્જૂન મોઢવાડિયા, સી.જે.ચાવડા, અમરીશ ડેર સહિતના નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જતા રહ્યા છે. આ નેતાઓ કોંગ્રેસના પ્રદેશ સંગઠનમાં મહત્વનું પદ ધરાવતા હતા. તેમની ખાલી પડેલી જગ્યાએ નિમણૂકો કરવામાં આવશે.