
અમદાવાદમાં શારદા પીઠાધિશ્વર જગદ્ ગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદજી સરસ્વતીજીનો સન્માન સમારોહ
અમદાવાદઃ શહેરના અધ્યાત્મ મંદિર થલતેજ ખાતે આગામી તા, 31મી માર્ચને શુક્રવારે સાંજના 5 વાગ્યે અનંત શ્રી વિભૂષિત દ્વારકા, શારદા પીઠાધિશ્વર જગદ્ ગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજીનો સન્માન સમારોહ યોજાશે.
આ અંગે અધ્યાત્મ વિદ્યામંદિર તત્વતીર્થના અધ્યક્ષ સ્વામી શ્રી વિદિતાત્માનંદજી મહારાજે જણાવ્યું હતું કે, અનંત શ્રી વિભૂષિત દ્વારકા, શારદા પીઠાધિશ્વર જગદ્ ગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ આગામી તા. 31મી માર્ચને શુક્રવારે સાંજના પાંચ વાગ્યે અધ્યાત્મ વિદ્યા મંદિરના તત્વ તિર્થ આશ્રમમાં પધારશે. સ્વામી સદાનંદજીનું વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂર્ણ કુંભથી સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ મંદિરના પરિસરમાં ભવ્ય શોભાયાત્રા યોજાશે. જેમાં ઢોલ નગારા સાથે નૃત્ય કરતી બહેનો, માથે જળ ભરીને ઘડો લીધેલી બહેનો, પિતાંબરધારીભાઈઓ, 20થી વધુ સંન્યાસીવૃંદ, આશ્રમવાસીઓ, ગુરૂભક્તો યાત્રામાં જોડાશે. શોભા યાત્રા બાદ વૈદિક મંત્રોચ્ચાર સાથે શારદા પીઠાધિશ્વર જગદ્ ગુરૂ શંકરાચાર્ય મહારાજ સભાખંડમાં બિરાજમાન થશે. સભાખંડમાં મંગળાચરણ ઉપરાંત સંસ્કૃત ભાષામાં વિશિષ્ટ નૃત્યગીતો, પણ પ્રસ્તુત કરવામાં આવશે. અનંત શ્રી વિભૂષિત દ્વારકા શારદા પીઠાધિશ્વર જગદ્ ગુરૂ શંકરાચાર્ય મહારાજનું વૈદિક પરંપરા મુજબ પાદુકા પૂજન કરવામાં આવશે. અનંત શ્રી વિભૂષિત દ્વારકા શારદા પીઠાધિશ્વર જગદ્ ગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી મહારાજ ‘ઈશાવાસ્યમિદં સર્વમ્’ વિષય ઉપર પ્રવચન-અનુગ્રહણ ભાષણ આપશે. અને અભિવાદન સમારોહ યોજાશે. શારદા પીઠાધિશ્વર જગદ્ ગુરૂ શંકરાચાર્ય મહારાજનું સાધકોને પ્રશ્નોના ઉત્તર આપશે.
અધ્યાત્મ વિદ્યામંદિર તત્વતીર્થના અધ્યક્ષ સ્વામી શ્રી વિદિતાત્માનંદજી મહારાજે વધુમાં જણાવ્યું હતું કે, અનંત વિભૂષિત દ્વારકા- શારદા પીઠાધિશ્વર સ્વામી સદાનંદજી સરસ્વતીજી મહારાજ સૌ પ્રથમવાર અધ્યાત્મ વિદ્યા મંદિર ખાતે પધરામણી કરી રહ્યા છે. શારદા પીઠાધિશ્વર જગદ્ ગુરૂ શંકરાચાર્ય મહારાજને આવકારવા આશ્રમવાસીઓ અને ગુરૂ ભક્તોમાં અનેરો ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.