
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં શિવસેના પણ ઝંપલાવશે, રાજકીય જંગ જામશે
દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં આગામી એપ્રિલ-મેમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શકયતા છે. જેની ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરીને પ્રચાર પણ આરંભી દીધો છે. બીજી તરફ વિધાનસભાની આ ચૂંટણીમાં હવે શિવસેનાએ પણ ઝંપલાવાનો નિર્ણય લીધો છે. પક્ષના મુખ્ય પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે જણાવ્યું હતું કે,, અમે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી લડવા માટે નિર્ણય કર્યો છે. ટૂંક જ સમયમાં અમે અમારી ટીમ સાથે કોલકાતા પહોંચીશું.
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થયા પહેલા જ રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ દ્વારા એક-બીજા ઉપર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યાં છે. જેથી આ ચૂંટણીમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામશે. આ ઉપરાંત કોંગ્રેસે પણ ડાબોરીઓ સાથે ગઠબંધન કર્યું છે. એટલું જ નહીં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એવૈસીની પાર્ટીના છ ઉમેદવારોનો વિજય થતા તેમણે પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરી હતી. દરમિયાન હવે મહારાષ્ટ્રમાં મોટી મનાતી શિવસેનાએ પણ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. જેથી રાજકારણ વધારે ગરમાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની ગઠબંધન સરકાર છે. જેથી પશ્ચિમ બંગાળમાં શિવસેના કોંગ્રેસ કે અન્ય કોઈ પાર્ટી સાથે ગઠબંધન કરે છે કે એકલા જ ચૂંટણી લડે છે તે જોવું રહ્યું.