
પાકિસ્તાનમાં ચર્ચ અને ખ્રિસ્તીઓના ઘરો ઉપર હુમલાના કેસમાં ચોંકાવનારો ખુલાસો, મૌલવીએ પાંચ મસ્જિદોમાંથી ઉશ્કેરણી કરી હતી
નવી દિલ્હીઃ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ખ્રિસ્તીઓના મકાનો અને ચર્ચ ઉપર હુમલાના કેસમાં પોલીસે 145 શંકાસ્પદોની અટકાયત કરી છે. સમગ્ર કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મૌલવીએ પાંચ જેટલી મસ્જિદોમાંથી કટ્ટરપંથીઓને ખ્રિસ્તીઓના ઘર અને ચર્ચ ઉપર હુમલો કરવા માટે ઉશ્કેરણી કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ટોળા દ્વારા ઓછામાં ઓછા 20 ચર્ચ અને ખ્રિસ્તીઓના 86 ઘરોને સળગાવી દેવામાં આવ્યા હતા. આ પછી પોલીસે કુલ 145 શકમંદોની અટકાયત કરી છે. લઘુમતી સમુદાય પર થયેલા અભૂતપૂર્વ હુમલાને લઈને સરકારને સુપરત કરાયેલા પ્રાથમિક અહેવાલમાં પોલીસે આ વાત કહી છે. અહેવાલમાં લાહોરથી લગભગ 130 કિમી દૂર ફૈસલાબાદ જિલ્લાના જરનવાલા તાલુકામાં બુધવારે હુમલો કરનાર ટોળામાં કટ્ટરપંથી ઇસ્લામી તહરીક-એ-લબૈક પાકિસ્તાન (TLP) તત્વોની હાજરીનો પણ સંકેત આપવામાં આવ્યો હતો. બે ખ્રિસ્તીઓએ કુરાનનું અપમાન કર્યું હોવાના સમાચારથી ભીડ ગુસ્સે થઈ ગઈ હતી.
ચર્ચ અને ખ્રિસ્તીઓના ઘરો ઉપર હુમલાના કેસમાં ઝડપાયેલા મૌલવીએ પાંચ જેટલા મસ્જિદોમાંથી મુસ્લિમોને ઈસાઈઓના ઘર ઉપર હુમલો કરવા માટે ઉશ્કેરણી કરી હતી. પોલીસે 127 શંકાસ્પદ આરોપીઓને કોર્ટમાં રજુ કરીને 2 દિવસના રિમાન્ડ મેળવ્યાં છે.
આ સહીત પંજાબના રખેવાળ મુખ્ય પ્રધાન મોહસિન નકવીએ જણાવ્યું હતું કે પાકિસ્તાની પોલીસે હુમલામાં સામેલ બે મુખ્ય શકમંદોની ધરપકડ કરી છે. નકવીએ પંજાબના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિરીક્ષકના પ્રયાસોની પ્રશંસા કરતા કહ્યું કે બંનેએ મુખ્ય શકમંદોની ધરપકડ સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. નકવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (અગાઉનું ટ્વિટર) પર એક પોસ્ટમાં લખ્યું, “ઝરાંવાલા ઘટનામાં એક મોટી સફળતા – બંને આરોપીઓ CTD કસ્ટડીમાં છે. પંજાબના મુખ્ય સચિવ અને આઈજી પંજાબની તેમના અથાક પ્રયાસો માટે પ્રશંસા….” હાલમાં, 3,500 પોલીસકર્મીઓ અને 180 રેન્જર્સના જવાનો જારણવાલામાં ખ્રિસ્તી વિસ્તારોમાં તૈનાત છે.