
કચ્છમાંથી પકડાયેલા 7 પાકિસ્તાનીની તપાસમાં ચોંકાવનારો ખુલાસો, રૂ. 250 કરોડનું હેરોઇન દરિયામાં પધરાવ્યું
અમદાવાદઃ ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સીમા સાથે જોડાયેલો છે. દરમિયાન તાજેતરમાં પોલીસે કચ્છના દરિયાકાંઠા પાસેથી 7 જેટલા પાકિસ્તાનીઓને ઝડપી લેવામાં આવ્યાં હતા. જો કે, તેમની પાસેથી કંઈ વાંધાજનક વસ્તુઓ મળી આવી ન હતી. જો કે, પોલીસ દ્વારા તેમની આગવી ઢબે પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો છે. પાકિસ્તાની નાગરિકો ડ્રગ્સ લઈને ગુજરાત આવતા હતા. જો કે, ભારતીય સુરક્ષા એજન્સીઓને જોઈને તેમણે રૂ. 250 કરોડની કિંમતનો 50 કિલો હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો. જેથી સુરક્ષા એજન્સીઓએ દરિયામાં તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડએ તાજેતરમાં કચ્છમાં દરિયાકાંઠે એક બોટમાંથી સાત પાકિસ્તાની નાગરિકોની ગેરકાયદેસર રીતે ભારતીય જળસીમામાં પ્રવેશ કરવા બદલ ધરપકડ કરી હતી. અલ-નુમાન નામની બોટને પછી દેવભૂમિ દ્વારકાના ઓખા કિનારે લઈ જવામાં આવી હતી, જ્યાં ભારતીય જળસીમામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા બદલ ફોરેનર્સ એક્ટ હેઠળ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
એટીએસના અધિકારીના જણાવ્યા અનુસાર આરોપીઓ કથિત રીતે બોટમાં માદક દ્રવ્ય હેરોઇનની દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને તેને કચ્છના જખૌ કિનારેથી ભારતીય જળસીમામાં લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીઓએ કબૂલાત આપી હતી કે, તેઓ હેરોઇનનો જથ્થો ભારતીય સરહદમાં ઘુસાડવાના બદ ઈરાદાથી જ આવ્યા હતા. તેમની પાસે રૂ.250 કરોડની કિંમતનો 50 કિલો હેરોઇન જથ્થો બે બેગ સ્વરુપે હાજર હતો પણ એટીએસને આવતા જોઈ તેમણે આ જથ્થો દરિયામાં ફેંકી દીધો હતો. પાકિસ્તાની નાગરિક મોહમ્મદ અકરમ બલોચ, ઝુબેર બલોચ, ઈશાક બલોચ, શહીદ અલી બલોચ, અશરફ બલોચ, શોએબ બલોચ અને શહજાદ બલોચની અટકાયત કરીને તપાસ આરંભી છે. એટીએસ અધિકારીઓના જણાવ્યા અનુસાર સાત પાકિસ્તાની નાગરિકો પાકિસ્તાનના બલૂચ પ્રાંતના ગ્વાદર બંદરેથી અલ-નૌમાન નામની બોટમાં રવાના થયા હતા.