
- કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાનીનો આજે 45મો જન્મદિવસ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવી શુભકામના
- ‘ક્યોકી સાસ ભી કભી બહુ થી’ સીરીયલથી મેળવી હતી લોકપ્રિયતા
દિલ્લી: અભિનેતાથી નેતા બનેલી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના જીવનનો આજે ખાસ દિવસ છે. આજે 23 માર્ચના રોજ સ્મૃતિ પોતાનો 45 મો જન્મદિવસ ઉજવી રહી છે. મોડલિંગથી એક્ટિંગ અને પછી રાજકારણમાં પણ પોતાની અલગ જગ્યા બનાવનાર સ્મૃતિ ઈરાનીએ બધે જ પોતાને સાબિત કરવા માટે મહેનત કરે છે.
સ્મૃતિ ઈરાનીના જન્મદિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્વિટ કર્યું હતું કે, કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાનીને જન્મદિવસની શુભેચ્છાઓ ! તે મહત્વપૂર્ણ ક્ષેત્રોને આગળ વધારવા અને મહિલા સશક્તિકરણ માટે નોંધપાત્ર પ્રયત્નો કરી રહી છે. આપણે બધાં તેમને લાંબા અને સ્વસ્થ જીવનની ઇચ્છા કરીએ છીએ.
સ્મૃતિ ઈરાનીનો જન્મ 23 માર્ચ 1976 માં દિલ્હીમાં થયો હતો. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત મોડેલિંગથી કરી હતી, ત્યારબાદ તેણે ટેલીવિઝન જગતમાં પણ ખૂબ નામ કમાવ્યું હતું. આ પછી તેમણે રાજકારણની દુનિયામાં પ્રવેશ કર્યો. હવે લોકો તેને અગ્રણી નેતા તેમજ પ્રખ્યાત ટેલીવિઝન કલાકાર તરીકે ઓળખે છે. રાજકીય કારકિર્દીની શરૂઆત કરતા પહેલા ઈરાનીએ મેકડોનલ્ડ્સમાં વેટ્રેસ અને ક્લીનર તરીકે પણ કામ કર્યું છે.
ટેલીવિઝનની સૌથી પ્રખ્યાત સીરિયલ ‘ક્યોકી સાસ ભી કભી બહુ થી’ માં ‘તુલસી’નું પાત્ર ભજવવા બદલ સ્મૃતિ ઈરાનીની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ સાથે સ્મૃતિ ઈરાનીએ વર્ષ 1998 માં ફેમિના મિસ ઇન્ડિયાના સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લીધો હતો,જ્યાં તે ફાઇનલમાં પ્રવેશ મેળવવામાં સફળ રહી,પણ જીતી શકી ન હતી.
વર્ષ 2004 માં ઈરાનીએ ચાંદની ચોક બેઠક પરથી કોંગ્રેસના દિગ્ગજ ઉમેદવાર કપિલ સિબ્બલ સામે લોકસભાની ચૂંટણી લડી હતી. ઈરાનીને મોદી સરકારના બીજા કાર્યકાળમાં કાપડ મંત્રી તરીકે કેબિનેટમાં સામેલ કરવામાં આવી હતા. મે 2019 માં તેમને મહિલા અને બાળ વિકાસ મંત્રી તરીકેનો વધારાનો હવાલો આપવામાં આવ્યો હતો. આ પહેલા તે 2014 માં માનવ સંસાધન વિકાસ મંત્રી હતી.
-દેવાંશી