નવી દિલ્હીઃ પ્રકાશના પર્વ ગણાતા દિવાળી પર્વની દેશભરમાં ભારે આનંદોલ્લાસથી ઊજવણી થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના જવાનો સાથે દિવાળી પર્વની ઊજવણી કરી હતી. જ્યારે ભારત અને પાકિસ્તાનના લશ્કરી જવાનોએ સરહદ પર પરસ્પર એકબીજાના મીંઠાઈઓ આપીને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર બન્ને દેશના સુરક્ષા દળો વચ્ચે મિત્રતા અને સારા સંબંધોના સંકેત મળ્યા છે. જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમાં સરહદ પર ત્રણ વર્ષના સમય ગાળા બાદ ભારતીય સુરક્ષા દળોના જવાનોને પાકિસ્તાનના સૈનિકો તરફથી દિવાળી નિમિતે મિઠાઈ સોગાદ સ્વરૂપમાં આપવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભારત અને પાકિસ્તાનના સૈનિકો વચ્ચે એક-બીજાના તહેવાર નિમિતે મિઠાઈની આપ-લે કરવાની પરંપરા સ્વતંત્રતા બાદથી જ ચાલી આવી છે. જોકે આ પરંપરા પર પણ બન્ને દેશો વચ્ચે જે તણાવ પ્રવર્તતો હોય છે તેના પર અસર રહે છે. દિવાળી નિમિતે મિઠાઈની પરંપરા પણ કાશ્મીરના પુલવામામાં ફેબ્રુઆરી,2019માં CISFના કાફલા પર થયેલા આત્મઘાતી હુમલા બાદ બંધ થઈ ગઈ હતી. ત્યારબાદ છેલ્લા ત્રણ વર્ષથી બન્ને દેશ વચ્ચે પરસ્પર મિઠાઈ વહેચવામાં આવી નથી.
રાજસ્થાનના બાડમેર જિલ્લામાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર BSF અને પાક રેન્જર્સ વચ્ચે મિઠાઈઓની આપ-લે કરવામાં આવી હતી. આ સાથે દિવાળીની શુભેચ્છા આપવામાં આવી હતી. મુનાબાવ, ગડરારોડ, કૈલનોર, બાખાસરની ચોકીઓ પર BSF તરફથી બાડમેર જિલ્લાના પ્રસિદ્ધ ગડરા (વિસ્તાર)માં લાડુ સાથે અન્ય મિઠાઈઓના પેકેટ પણ ભેંટ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાની સૈનિકોએ પણ પોતાને ત્યાં જાણીતી મિઠાઈઓ BSF જવાનોને ભેંટ આપી હતી.
BSFના જવાનોએ પંજાબના અમૃતસરમાં જાણીતી અટારી-વાઘા બોર્ડર પર પણ પાકિસ્તાની રેન્જર્સના સૈનિકોને દિવાળી નિમિતે મિઠાઈ આપવામાં આવી હતી. પાકિસ્તાની રેન્જરે પણ BSFના જવાનોને પણ મિઠાઈ ખવડાવી દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં લાઈન ઓફ કન્ટ્રોલ (LOC) પર ભારતીય સૈનિકોએ પાકિસ્તાની સૈનિકોને મિઠાઈ આપી હતી. પાકિસ્તાની સેનાએ પણ ભારતીય સૈનિકોને મિઠાઈ આપી હતી. આ સમયે બન્ને દેશના સૈનિકો એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. (file photo)