સોમનાથ સ્વાભિમાન પર્વ: સાધુ- સંતો ભગવાન સોમનાથના દર્શનાર્થે પહોંચ્યા
સોમનાથ, 9 જાન્યુઆરી 2026: સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન પૂર્વે ભવ્ય અને દિવ્ય માહોલ સર્જાયો છે, આજે ગિરનાર તીર્થક્ષેત્ર સહિતના સાધુ-સંતોએ સોમનાથના શંખચોકથી પદયાત્રા કરીને દેવાધિદેવ ભગવાન મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા હતા. આ આધ્યાત્મિક ચેતનાને ઉજાગર કરતી પદયાત્રામાં રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા સહિતના મહાનુભાવો જોડાયા હતા.
આ પદયાત્રામાં ગિરનાર તીર્થક્ષેત્રના શ્રી ઇન્દ્રભારતી બાપુ, શ્રી મહેન્દ્રાનંદગીરી બાપુ, શ્રી હરીહરાનંદ બાપુ સહિતના સાધુ સંતો જોડાયા હતા, આ દરમિયાન મોટી સંખ્યામાં સાધુ સંતોએ ભગવાન શિવજીના પ્રિય વાદ્ય ડમરૂના નાદનો ગુંજારવ કરીને આધ્યાત્મિક ઉર્જા પ્રસરાવી હતી. ઉપરાંત 7 જેટલા ઢોલ વાદકો સાથેના સિદ્ધિવિનાયક ઢોલ ગ્રુપે તાલબદ્ધ પ્રસ્તુતિથી અનેરો માહોલ સર્જ્યો હતો.
આ પદયાત્રામાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, અગ્રણી ધવલભાઈ દવે, પુનિતભાઈ શર્મા, ઝવેરીભાઈ ઠકરાર સહિતના મહાનુભાવો જોડાયા હતા. આ પદયાત્રામા દરમિયાન પુષ્પવર્ષા સાથે સાધુ સંતો અને મહાનુભાવનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રાથી સમગ્ર સોમનાથ મંદિર પરિસરમાં ભવ્ય અને દિવ્ય વાતાવરણ સર્જાયું હતું.
આ પણ વાંચોઃ દિલ્હી: સાકેત કોર્ટના કર્મચારીએ ઇમારત પરથી કૂદીને આત્મહત્યા કરી


