
તહેવારોમાં ગલગોટા સહિત વિવિધ ફુલોનું વિશેષ મહત્વ: ફુલોની ખેતી કરતા ખેડૂતોની આવક બમણી થઈ
ગુજરાતની ખેતીમાં દિનપ્રતિદિન પરિવર્તન આવતુ જાય છે. રાજયના ખેડૂતો નવીન ખેત પધ્ધતિ, નવી જાતો અને નવીન ટેકનોલોજીમાં સતત રસ લેતા થયા છે. જે ગુજરાતના કૃષિકારોની જાગૃતિને પ્રતિબિંબિત કરે છે. આવા ખેડૂતો પૈકી તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કોહલી ગામના એક પ્રગતિશિલ આદિવાસી ખેડૂત યશકુમાર ગામીત અને તેજલભાઇ રાકેશભાઇ ચૌધરીએ બાગાયત વિભાગની ૨૦૨૩-૨૪મા છૂટા ફુલોની ખેતીની યોજનાનો લાભ મેળવી, ગુજરાતના રાજ્ય ફુલ ‘ગલગોટા’ના ફુલોની ખેતી કરી છે, અને ફક્ત ૩ થી ૪ મહિનામાં જ તેમની આવક બમણી કરી યુવાઓને પ્રેરિત કરી રહ્યા છે. યશકુમાર ગામીતે જણાવ્યું હતું કે, બાગાયત ખાતાની યોજના તળે ફુલોની આ ખેતી માટે તેમણે અરજી કરી હતી. છેલ્લા ૩ વર્ષથી ફુલોની ખેતી કરતા આ લાભાર્થી એ પહેલા પ્રાયોગિક ધોરણે ૧૦૦૦ જેટલા ગલગોટા વાવ્યા હતા. જેમાં ફાયદો થતા આ વર્ષે ૫૦૦૦ રોપા કર્યા છે. બાગાયત ખાતા તરફથી છુટ્ટા ફુલોની ખેતીની યોજનામાં તેમને ₹ ૧૪ હજારની સહાય મળી છે.
યશકુમારે વધુમાં ઉમેર્યું કે, ૨.૫ વિઘામા હાલ તેમણે ‘ગેંદા ફૂલ’ (ગલગોટા) કર્યા છે. જેમા ખેતી ખર્ચ ₹ ૬૦ થી ૬૫ હજાર થયો છે, અને અત્યાર સુધી તેમાંથી તેમને ₹ ૨ લાખ જેટલી આવક મેળવી પણ લીધી છે. બાગાયત ખાતા તરફથી છુટ્ટા ફુલની ખેતીની યોજનામાં તેમને ₹ ૧૪ હજારની સહાય પ્રાપ્ત થઈ છે. જેના માટે અમે સરકારશ્રી અને બાગાયત વિભાગ તાપીના આભારી છીએ, એમ તેમણે કૃતજ્ઞતા વ્યક્ત કરતા જણાવ્યું હતું. આ ખેતીમાં ગણપતિ, નવરાત્રી, દિવાળી જેવા તહેવારો દરમિયાન ₹ ૨ થી ૩ લાખની આવક થાય છે. આ વર્ષે નવરાત્રીના ૯ દિવસ દરમિયાન જ ૫૦ હજારથી વધારેની આવક થઇ છે. જેથી હુ તમામ ખેડૂતમિત્રોને અનુરોધ કરુ છું કે તમે પણ ફુલોની ખેતી કરો અને પ્રોફિટ મેળવો, એમ તેમણે ઉમેર્યું હતું.
યશકુમારના મિત્ર અને કોહલી ગામના રહેવાસી તેજલભાઇ રાકેશભાઇ ચૌધરીએ પણ બાગાયત ખાતાની છુટ્ટા ફુલોની ખેતી યોજનામાં લાભ લીધો છે. ગલગોટાની ખેતીના ફાયદા અંગે માહિતી આપતા તેજલભાઇએ જણાવ્યું હતું કે, અન્ય પાકો કરતા ગલગોટાની ખેતીમાં ખેતી ખર્ચ ઓછો આવે છે, અને શાકભાજીની જેમ નુકશાનીનો ડર પણ ઓછો રહે છે. વાર તહેવારે ફુલોના ભાવ વધવાથી આવક બમણી થાય છે. તેજલભાઇ વધુમાં ઉમેરે છે કે, મે પાંચ હજાર છોડ વાવ્યા છે. જેમાં દર બીજા દિવસે ફુલપાક તોડવામાં આવે છે. જેમાં અંદાજે ૨૦૦ કિલો જેટલા ફુલો નીકળે છે. કિલોના ઓછામાં ઓછા ₹ ૧૦૦ લઇએ તો પણ એક લણણીમાં ₹ ૨૦ હજાર જેટલી આવક મળી રહે છે. નવરાત્રીની સિઝનમાં ૫૦ હજારનો ખર્ચ કાઢતા પ્રોફિટ ₹ ૧ લાખથી વધુનું મળ્યું છે. બાગાયત ખાતાની છુટ્ટા ફુલોની ખેતી યોજનામાં સહાય મળતા ખેતી ખર્ચમાં પણ રાહત મળી છે.
બાગાયત ખાતાની છુટ્ટા ફુલોની ખેતી યોજના અંગે વધુ માહિતી આપતા, તાપી જિલ્લા બાગાયત અધિકારી તુષારભાઇ ગામીતે જણાવ્યું હતું કે, બાગાયતમાં ફૂલોની ખેતી પણ એક એવું જ વિકસતુ ક્ષેત્ર છે. હાલમાં ગુજરાત રાજ્યમાં વિવિધ ફૂલોના પાક હેઠળ વાવેતરનો વિસ્તાર અંદાજે ૧૫૦૦૦ હેકટર જેટલો છે. તથા રાજ્યનું ફૂલોનું કુલ ઉત્પાદન અંદાજે ૧૨૮૦૦૦ મેટ્રિક ટન છે. જ્યારે તાપી જિલ્લામાં ફુલોનો વાવેતરનો વિસ્તાર અંદાજે ૪૩૯ હેકટર છે, અને તાપી જિલ્લામાંથી અંદાજિત ૩૯૨૭ મેટ્રિક ટન ફુલોનું ઉત્પાદન દર વર્ષે થાય છે. તાપી જિલ્લામાંથી ફુલોનો નિકાસ સુરત સહિત મહારાષ્ટ્ર રાજ્યમાં થાય છે. હાલ તાપી જિલ્લામાં કુલ ૭૦,૪૬૦ ખેડૂતો બાગાયતી પાક ધરાવે છે. તાપી જિલ્લામાં બાગાયતી પાકનો વિસ્તાર ૩૨,૬૦૦ હેક્ટર છે. જેમાંથી કુલ ૪૩૯ હેકટર વિસ્તારમા ખેડૂતો ફુલોની ખેતી કરી રહ્યા છે. જેમાં ગલગોટા, ગુલાબ, સેવંતી વગેરે જેવા વિવિધ ફુલોની ખેતી તાપી જિલ્લાના ખેડૂતો કરી રહ્યા છે.
છુટ્ટા ફુલોની ખેતીની યોજનામાં લાભાર્થીને યોજના મુજબ ખર્ચના ૪૦ % પ્રમાણે યોજનાનો લાભ મળે છે. બાગાયત અધિકારી ગામીતે તાપી જિલ્લાના તમામ ખેડૂત ભાઇ બહેનોને બાગાયત ખાતાની વિવિધ યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો છે. નવરાત્રી શરૂઆત થતા જ ગલગોટાના ફુલોના ભાવમા ધરખમ વધારો જોવા મળે છે. ગલગોટા, ગેંદા ફૂલ અથવા હજારીગલ તરીકે ઓળખાતા આ ફૂલો, તેની નારંગી અને પીળા રંગના પ્રભુત્વને કારણે ધાર્મિક વિધિઓમાં, શણગાર માટે ખાસ ઉપયોગમાં લેવાય છે. તહેવારોની મોસમમા ગલગોટા સહિત વિવિધ ફુલોનું વિશેષ મહત્વ છે. જેના કારણે તહેવારોની મોસમમા ફુલોની કિંમતમાં ધરખમ વધારો થાય છે, અને ફુલોની ખેતી કરતા ખેડૂતોની આવક પણ બમણી થાય છે.
- ફૂલની કિંમતમાં થયો ધરખમ વધારો
રાજ્યમાં નવરાત્રીમાં ફુલોની આયાત અને નિકાસમાં તેજી આવે છે. તાપી જિલ્લામાં ગલગોટાના ફૂલના ભાવ ત્રીસ રૂપિયે કિલો હતા, જે વધીને ₹ ૧૧૦ અને ૧૫૦ રૂપિયા કિલો થયા છે. ગુલાબના ફૂલના ભાવ ૧૦૦ રૂપિયાથી વધીને ૨૦૦ થી ૨૫૦ રૂપિયા થયા છે. આ ઉપરાંત પારસના ફૂલના ભાવ પ્રતિકિલો ૪૦૦ રૂપિયાથી વધી ૨૦૦૦ થયા છે. સેવંતીના ફૂલના ભાવ પ્રતિકિલો ૫૦ રૂપિયાથી વધીને ૧૦૦ પ્રતિ કિલો થયા છે. તાપી જિલ્લામાં ફુલોની ખેતી કરતા ખેડૂતો તાપી જિલ્લા સહિત સુરત ફુલ માર્કેટમાં એક્પોર્ટ કરી રહ્યા છે. જેના થકી તેઓની આવકમાં ખાસ્સો વધારો થયો છે. ગલગોટાનું વેચાણ કરતા ખેડૂતો નવરાત્રીના નવ દિવસમાં આશરે ૨ લાખથી વધુની કમાણી કરે છે.
- જીવાત નિયંત્રણ વ્યવસ્થામાં અક્સિર ઉપાય છે ગલગોટાનો આંતરપાક તરીકે ઉપયોગ
આધુનિક ખેતીમાં વધુ પાક ઉત્પાદન મેળવવા માટે પાક સંરક્ષણ એક અગત્યનું અને અનિવાર્ય અંગ બની ગયું છે એમ કહીએ તો ખોટું નથી. અત્યાર સુધી ખેતીમાં પાક સંરક્ષણ ક્ષેત્રે જંતુનાશક દવાઓનું ખબ જ પ્રભુત્વ રહેલ હતું. પરતું ઝેરી જંતુનાશક દવાઓની માનવજીવન તથા પર્યાવરણ પરની આડઅસરને લીધે લોકોમાં જાગૃતતા આવી છે. જેના એક ઉપાય તરીકે ખેડૂતો ગલગોટાનો ઉપયોગ આંતરપાક તરીકે વધારે કરી રહ્યા છે.
ટામેટી અને મરચા જેવા પાકમાં લીલી ઈયળથી પુષ્કળ પ્રમાણમાં નુકસાન થાય છે. આવા પાકની આજુબાજુ અને પાકની વચ્ચે ઢાળીયા પર ગલગોટાનું વાવેતર કરવાથી તેના ફૂલ ઉપર લીલી ઈયળની માદા કુદી ઈંડા મુકવાનું વધુ પસંદ કરે છે. આવા ફૂલોને નિયમિત રીતે છોડ પરથી વીણી લેવાથી આવા પાકમાં જીવાતનો ઉપદ્રવ ઘટે છે. આ સાથે ફૂલોનો વેચાણ તરીકે ઉપયોગ કરી વધારાની આવક પણ મેળવી શકાય છે.
સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાથી ભરપૂર છે ગલગોટાના ફૂલનું તેલ
ગલગોટાના છોડની દાંડી, પાંદડા અને ફૂલ તેના ઔષધીય ગુણો માટે પણ ઉપયોગી છે. આનો ઉપયોગ જુદા જુદા રોગોના ઉપચાર માટે કરવામાં આવે છે. ગલગોટાના તેલ ચામડીને લગતી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. ચહેરા પરથી ડાઘને દૂર કરવામાં, ખરજવું, ફોડલીઓ, ફાટેલી ચામડી, વાયરલ ચેપ અને બળતરાની સારવાર કરવામાં મદદ કરે છે.
- આ શરદી – ફ્લૂમાં પણ મદદરૂપ છે. આ ઉપરાંત નાહવામાં આ તેલનો ઉપયોગ કરવાથી શરીરના સ્વાસ્થ્યમાં સુધારો અને શરદી – ફ્લૂના લક્ષણોને દૂર કરી શકાય છે.
- એન્ટી પેરાસીટીક અસરોના કારણે મચ્છરો, રાતના કીટકો, જુ અને અન્ય ચેપોને દૂર કરવામાં મદદ કરે છે. આ કોઈ જીવ જંતુના ડંખ કે કરડવાથી થતી અસરને પણ બેઅસર કરે છે.
- એન્ટીબાયોટીક અને હીલિંગ ગુણો થી ભરપુર હોવાના કારણે ઉધરસમાં થી રાહત અપાવે છે. તથા અપચો, ખોડો વગેરેમા પણ મદદરૂપ છે.
- બળતરા ઓછી કરે છે. ગલગોટાના ફૂલમાં શામક ગુણ હોય છે, જે બળતરાને ઓછી કરવામાં મદદ કરે છે. આ તેલ પાચન, હતાશા, તણાવ, ગભરાટ અને ક્રોધને શાંત કરવામાં અને ઘટાડવામાં પણ મદદરૂપ છે.
ગલગોટાના પાન માંથી બનેલી ચા અપચો અને કબજિયાત માટે એક પ્રભાવી ઉપાય
ગલગોટાના પાનમાંથી બનેલી ચા અપચો અને કબજિયાત માટે એક પ્રભાવી ઉપાય છે. ગલગોટાના ફૂલની પાંખડીમાં એન્ટી ઇન્ફ્લામેટરી ગુણ હોય છે, જે એક દવા સમાન છે. જે જખમો, ફોડલીઓ, રમતવીરોના પગ અને ચામડીના ચેપનો ઉપચાર કરે છે.
ગલગોટાના ફુલો સહેલાઈ થી ઉગાડી શકાય છે. આ ફૂલ ધાર્મિક અને સામાજિક તહેવારોમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. જેના કારણે કિંમત ખૂબ જ ઊંચી મળે છે. આ છોડની ખેતી બારેમાસ થાય છે. જેના કારણે ખેડૂતો ખાસ કરીને યુવા વર્ગ તેની ખેતી તરફ અકર્ષાય છે. ગલગોટા તેની સરળ ખેતી પધ્ધતિ, ભિન્ન ભિન્ન જમીન અને આબોહવાને અનુકુળ થવાની શકિત, આખા વર્ષ દરમ્યાન કરી શકાતી ખેતી, ફૂલોની લાંબી મોસમ, ઉત્તમ પ્રકારનાં લાંબી ટકાઉશકિત અને આકર્ષક રંગોવાળા ફૂલોને લીધે આપણા દેશમાં સૌથી વધુ લોકપ્રિય છોળમાંથી એક છે. સામાન્ય રીતે ગલગોટાની ખેતી આપણા દેશમાં મુખ્યત્વે મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, અને મધ્ય પ્રદેશમાં કરવામાં આવે છે.