
પ્રતિભાશાળી બેટ્સેમન ઋષભ પંતને વિશેષ સન્માન, હવે ઉત્તરાખંડ સરકારે બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કર્યા
- પ્રતિભાશાળી ભારતીય ક્રિકેટ બેટ્સમેન ઋષભ પંત માટે સારા સમાચાર
- ઉત્તરાખંડ સરકાર દ્વારા તેમને રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરાયા
- રાજ્યના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ ટ્વિટથી આપી માહિતી
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર વિકેટકીપર અને પ્રતિભાશાળી બેટ્સમેન રિષભ પંત સતત સફળતાના એક પછી એક શિખરો સર કરી રહ્યો છે. છેલ્લા એક વર્ષ દરમિયાન ત્રણેય ફોર્મેટમાં રિષભ પંતે દમદાર પ્રદર્શન કરીને નંબર વન વીકેટકીપર તરીકેના પોતાના સ્થાનને વધુ મજબૂત બનાવ્યું છે. યુવાન વયે તે કારકિર્દીમાં નવા આયામો સર કરી રહ્યો છે. હવે તેને વિશેષ સન્માન આપવામાં આવ્યું છે.
વિશેષ સન્માન હેઠળ હવે ઉત્તરાખંડ સરકાર દ્વારા રિષભ પંતને રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજ્યના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ ટ્વીટ મારફતે તેની ઘોષણા કરી હતી. આ અંગે ધામીએ લખ્યું હતું કે, ભારતના શ્રેષ્ઠ ક્રિકેટ ખેલાડીઓમાંના એક, યુવાનોની પ્રેરણા અને ઉત્તરાખંડના લાલ શ્રી ઋષભ પંત, અમારી સરકારે રાજ્યના યુવાનોને રમતગમત અને જાહેર આરોગ્ય પ્રત્યે પ્રોત્સાહિત કરવાનો ઉદ્દેશ આપ્યો છે.
ઋષભ પંત મૂળ ઉત્તરાખંડના રૂરકી શહેરનો રહેવાસી છે. તે ક્રિકેટ કોચિંગ માટે દિલ્હી આવતો અને બાદમાં આ ટીમમાંથી તેણે પોતાની ક્રિકેટ કારકિર્દી આગળ ધપાવી. અહીંયાથી જ તેને ફરીથી ટીમ ઇન્ડિયામાં સ્થાન હાંસલ થયું.
ઋષભ પંતની કારકિર્દીમાં ડેબ્યુની વાત કરીએ તો વર્ષ 2017માં T20 ઇન્ટરનેશનલ અને ત્યારબાદ 2018માં ટેસ્ટ અને વન-ડેમાં ટીમ ઇન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું.