
- આજથી રસીકરણનો ત્રીજો તબક્કો શરૂ
- 45 વર્ષથી ઉપરના તમામ લોકોને રસી
- આરોગ્ય સચિવે રાજ્યો સાથે યોજી બેઠક
દિલ્હી : કોરોનાના વધતા જતા કેસો વચ્ચે કોરોના વેક્સીનેશન અભિયાનના ત્રીજા તબક્કાની શરૂઆત ગુરુવારથી એટલે કે આજથી થઇ રહી છે. આ ત્રીજા તબક્કામાં 45 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સીન આપવામાં આવશે. વેક્સીનનો ડોઝ તમામ સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં વિના મૂલ્યે આપવામાં આવી રહ્યો છે,જ્યારે ખાનગી આરોગ્ય કેન્દ્રોમાં લોકોને આ માટે 250 રૂપિયા ચૂકવવા પડશે.
આ પહેલા કોરોના વેક્સીનેશન અભિયાનનો પ્રથમ તબક્કો 16 જાન્યુઆરીએ શરૂ થયો હતો.જેમાં હેલ્થ વર્કર્સ અને ફ્રંટલાઈન વર્કર્સને કોરોના વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો હતો.તો,બીજો તબક્કો 1 માર્ચથી શરૂ થયો હતો. જેમાં 60 વર્ષથી ઉપરના લોકો અને અન્ય બીમારીઓથી પીડાતા 45 વર્ષથી વધુ વયના લોકોને ડોઝ આપવામાં આવ્યા હતા. હવે આજથી 1 એપ્રિલથી શરૂ થનારા ત્રીજા તબક્કામાં 45 વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોના વેક્સીનનો ડોઝ આપવામાં આવશે.
ત્રીજા તબક્કાની શરૂઆત પહેલા બુધવારે કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણએ તૈયારીઓની સમીક્ષા કરવા રાજ્યો સાથે બેઠક યોજી હતી. અને કહ્યું હતું કે, કોઈ પણ રાજ્યમાં વેક્સીનની કમી રહેશે નહીં અને તેઓને સતત સપ્લાય મળતી રહેશે. તો, કેન્દ્રએ તમામ રાજ્યોને કોરોના વાયરસની વેસટેઝને ઘટાડતા 1 ટકા નીચે લાવવા અપીલ કરી છે. મળતી માહિતી મુજબ દેશમાં 6 ટકા કોરોના વેક્સીન વેસ્ટ થઇ રહી છે.
આ સાથે રાજ્યોને તે સ્થાનો પર ધ્યાન આપવાનું કહેવામાં આવ્યું છે, જ્યાં અત્યાર સુધી ખૂબ જ ઓછા લોકોએ વેક્સીનના ડોઝ લીધા છે. અને જ્યાંથી કોરોનાના વધુ કેસ સામે આવી રહ્યા છે.
– દેવાંશી