સ્ટાર્ટઅપ ઈન્ડિયાના સફળ 10 વર્ષ: PM મોદીએ યુવા સાહસિકોને બિરદાવ્યા
નવી દિલ્હી, 16 જાન્યુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા’ પહેલના 10 વર્ષ પૂર્ણ થવા પર દેશવાસીઓને અને ખાસ કરીને યુવા સાહસિકોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ભારતીય સ્ટાર્ટઅપ્સને પરિવર્તનના એવા ‘એન્જિન’ ગણાવ્યા છે જે દેશની અર્થવ્યવસ્થા અને સમાજના ભવિષ્યને નવો આકાર આપી રહ્યા છે.
વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, “આજનો દિવસ ખાસ છે, કારણ કે ‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા‘ ની શરૂઆતને એક દાયકો પૂર્ણ થયો છે. આ દિવસ આપણા યુવાનોની હિંમત, ઈનોવેશનની ભાવના અને સાહસિકતાના જજબાની ઉજવણીનો છે, જેમણે વૈશ્વિક સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમમાં ભારતનું કદ વધાર્યું છે.”
પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે સરકારની ‘રિફોર્મ એક્સપ્રેસ’ ના કારણે આજે ભારતીય સ્ટાર્ટઅપ્સ અવકાશ અને સંરક્ષણ જેવા અગાઉ અકલ્પનીય ગણાતા ક્ષેત્રોમાં પણ હરણફાળ ભરી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, સ્ટાર્ટઅપ્સ માત્ર સમસ્યાઓનું સમાધાન જ નથી કરી રહ્યા, પરંતુ લાખો લોકો માટે નવી તકો પણ સર્જી રહ્યા છે. ‘આત્મનિર્ભર ભારત’ બનાવવાના સંકલ્પમાં સ્ટાર્ટઅપ્સની ભૂમિકા અત્યંત મહત્વની છે. વિકસિત ભારતના સપનાને સાકાર કરવામાં યુવાનોનો જોશ અને ઝનૂન સૌથી મોટી શક્તિ બનશે.
વડાપ્રધાને માત્ર સાહસિકો જ નહીં, પરંતુ મેન્ટર્સ, ઈન્ક્યુબેટર્સ અને રોકાણકારોનો પણ આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે આ સહયોગીઓના માર્ગદર્શનને કારણે જ ભારતના યુવાનો જોખમ લેવા અને નવા પ્રયોગો કરવા માટે પ્રોત્સાહિત થયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16 જાન્યુઆરી, 2016 ના રોજ ‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા’ અભિયાનની શરૂઆત કરી હતી. ત્યારબાદ, અર્થતંત્રમાં તેમના અમૂલ્ય યોગદાનને માન આપવા માટે વર્ષ 2022 માં 16 જાન્યુઆરીને ‘રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ’ તરીકે ઉજવવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આજે 10 વર્ષ બાદ ભારત વિશ્વના સૌથી મોટા સ્ટાર્ટઅપ હબ પૈકીનું એક બની ગયું છે.


