
ધોરણ 10 પછીના ડિપ્લોમા ઈજનેરીમાં ધો.12માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓનો પ્રવેશ માટે ધસારો વધ્યો
અમદાવાદઃ ગુજરાતમાં એક સમયે ડિગ્રી અને ડિપ્લોમાં ઈજનેરીમાં પ્રવેશ માટે સૌથી વધુ ક્રેઝ જોવા મળતો હતો. હવે સ્થિતિ એવી ઊભી થઈ છે. કે, દર વર્ષે ડિગ્રી અને ડિપ્લોમા પ્રવેશના અંતે અનેક બેઠકો ખાલી રહી છે. ત્યારે આ વર્ષે ધારણ 10 પછીના ડિપ્લોમાંના અભ્યાસક્રમોમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં ધો.10 પાસ કર્યા પછી પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સામે ધો.12 નાપાસ થઇને અથવા તો બે વર્ષ બગાડયા પછી ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ સતત વધી રહી છે ધો.11 અને 12 કર્યા પછી ઓછા માર્કસ આવે અથવા તો કોઇ વિષયમાં નાપાસ થયા બાદ ફરીવાર પરીક્ષા આપવા કરતાં મોટાભાગના વિદ્યાર્થીઓ ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ લેવાનું પસંદ કરી રહ્યા છે.
પ્રવેશ સમિતિના સૂત્રોના કહેવા મુજબ વર્ષ 2022માં ધો.10 પછી બે વર્ષ બાદ ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા 22 હજાર વધુ હતી. છેલ્લા પાંચ વર્ષમાં ધો.10 પાસ કર્યાના બે વર્ષ પછી ડિપ્લોમા પ્રવેશ માટે દરખાસ્ત કરનારા વિદ્યાર્થીઓનો આંકડો 1 લાખ 11 હજાર સુધી પહોંચી ગયો છે.છેલ્લા પાંચ વર્ષમાં પો.10 પાસ કરીને ડિપ્લોમા ઇજનેરીમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે.. પરંતુ તેમાં અગળના વર્ષમાં પાસ આઉટ થયેલા અને બે વર્ષ પહેલા ધો.10 પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા કાઢી નાંખવામાં આવે તો અડધા વિદ્યાર્થીઓ થઈ જાય, ધો.10 પછી શરૂઆતથી ડિપ્લોમા પ્રવેશ લેવાનું નક્કી કરી ચુકેલા વિદ્યાર્થીઓ સિવાયના સરેરાશ 60 ટકાથી વધારે ટકા મેળવનારા વિદ્યાર્થીઓ 12 સાયન્સમાં પ્રવેશ મેળવતા હોય છે. ધોરણ 10 પછી 12 સાયન્સના બે વર્ષ દરમિયાન પ્રાઇવેટ ટ્યૂશન, ડે-કેર સ્કૂલ અને અન્ય ખર્ચા કર્યા પછી સારા ટકા ન આવે અથવા નાપાસ થાય ત્યારે બીજી વખત સાયન્સની પરીક્ષા આપવાના બદલે મોટાભાગના વિદ્યાર્થીઓ ધો.10ના પરિણામના આધારે ડિપ્લોમાં પ્રવેશને પ્રાધાન્ય આપતાં હોય છે. પ્રવેશ સમિતિ પાસે આવેલા આંકડા પ્રમાણે જોઇએ તો જે તે વર્ષના કુલ રજિસ્ટ્રેશનમાં અડધાથી વધુ વિદ્યાર્થીઓ બે વર્ષ પહેલાના છે. એટલે કે બે વર્ષ પહેલા ધો.10 પાસ કરી ચુક્યા હોય છે. સમિતિ દ્વારા પ્રવેશ લેવા ઇચ્છતાં વિદ્યાર્થીઓ પાસે ધો.12ની માર્કશીટ માંગવામાં આવતી નથી પરંતુ ધો.10 કયા વર્ષે પાસ કર્યુ તેની વિગતો માંગવામાં આવતી હોય છે. જેના આધારે દરવર્ષે 20થી લઈને 30 હજાર વિદ્યાર્થીઓ ધો.10 પાસ કર્યાને વર્ષ પછી જ ડિપ્લોમા પ્રવેશ લેવાના બદલે બે વર્ષ પછી ડિપ્લોમા પ્રવેશ માટે પ્રયાસ કર્યો હોવાની આંકડાકીય વિગતો બહાર આવી રહી છે.