
દુષ્કર્મ બાદ પીડિતાનો આપઘાતઃ પોલીસે 200 શંકાસ્પદોની કરી પૂછપરછ
અમદાવાદઃ વડોદરામાં યુવતી ઉપર બે વ્યક્તિઓએ દુષ્કર્મ આચર્યા બાદ પીડિતાએ વલસાડમાં ટ્રેનમાં આત્મહત્યા કરી હતી. આ પ્રકરણમાં સંડોવાયેલા બંને આરોપીઓને ઝડપી લેવા માટે વડોદરા પોલીસ, રેલવે પોલીસ, અમદાવાદ ક્રાઈમબ્રાન્ચ અને એફએસએલ સહિતની એજન્સીઓ તપાસ કરી રહ્યાં છે. દરમિયાન પોલીસે સમગ્ર પ્રકરણમાં 150થી વધારે શંકાસ્પદોની પોલીસે પૂછપરછ કરી છે. તેમજ રેલવે આઈજી સુભાષ ત્રિવેદીએ ગમતરીના દિવસોમાં જ સમગ્ર પ્રકરણનો ભેદ ઉકેલાવાની આશા વ્યક્ત કરી હતી. વડોદરા પોલીસ અને રેલવે પોલીસ વચ્ચે તપાસને લઈને કોઈ મતભેદ નહીં હોવાનો પણ રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીએ દાવો કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડ ખાતે ગુજરાત ક્વીન ટ્રેનમાં એક યુવતીએ આત્મહત્યા કરી હતી. આ પ્રકરણની તપાસમાં પીડિતા ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનું ખૂલ્યું હતું. દુષ્કર્મ બાદ આધાતમાં સરીપડેલી પીડિતાએ આપઘાત કર્યો હોવાનું ખુલ્યું છે. પોલીસ સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલવા પ્રયાસ કરી રહી છે.
રેલવે આઈજી સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ઘટના, સાક્ષી, જગ્યા, સંજગો, ગુનેગારોની તપાસ, ડેટા એનાલીસિસ તથા શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવી રહી છે. નજીકના દિવસોમાં જ સમગ્ર પ્રકરણનો ભેદ ઉકેલી નાખવામાં આવશે. સમગ્ર કેસનો ભેદ ઉકેલવા માટે વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પીડિતાએ આત્મહત્યા કર્યાં બાદ તેની સાથે સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી હતી. પોલીસે અત્યાર સુધીમાં 150થી 200 જેટલા શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવી છે. પીડિત દીકરીના પરિવારને ઝડપથી ન્યાય મળે તે માટે વિવિધ એજન્સીઓ એક સાથે મળીને કામ કરી રહી છે.