મુંબઈઃ મુંબઈ પર થયેલા 26/11ના આતંકી હુમલામાં અજમલ કસાબ જેવા આતંકીઓ સામે સીધી ટક્કર લેનાર 1990 બેચના વરિષ્ઠ IPS અધિકારી સદાનંદ વસંત દાતેની મહારાષ્ટ્રમાં ઘરવાપસી થઈ રહી છે. કેન્દ્ર સરકારની કેબિનેટ નિમણૂક સમિતિ (ACC) એ સોમવારે એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ના ચીફ સદાનંદ દાતેને તાત્કાલિક તેમના મૂળ કેડર મહારાષ્ટ્રમાં પરત મોકલવાની મંજૂરી આપી દીધી છે.
મહારાષ્ટ્રના વર્તમાન પોલીસ મહાનિદેશક (DGP) રશ્મિ શુક્લાનો કાર્યકાળ આગામી 31 ડિસેમ્બરે પૂર્ણ થઈ રહ્યો છે. આ સંજોગોમાં સદાનંદ દાતેને રાજ્યના આગામી DGP બનાવવામાં આવે તેવી શક્યતાઓ અત્યંત પ્રબળ બની છે. એક પ્રામાણિક, નિડર અને વ્યાવસાયિક અધિકારી તરીકેની છબી ધરાવતા દાતેની નિમણૂકથી રાજ્યના પોલીસ દળનું મનોબળ વધશે તેમ માનવામાં આવી રહ્યું છે.
રાજકીય અને વહીવટી દ્રષ્ટિએ આ નિર્ણયને ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે, કારણ કે જાન્યુઆરી માસમાં બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) ની ચૂંટણીઓ પ્રસ્તાવિત છે. દેશની સૌથી ધનિક પાલિકાની ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવી એ મોટી પડકાર હોય છે. આવા સમયે અનુભવી અને વિશ્વાસુ નેતૃત્વની જરૂરિયાતને જોતા દાતેનું નામ મોખરે ચાલી રહ્યું છે.
સદાનંદ દાતે એ જ બહાદુર અધિકારી છે જેમણે 26/11ના હુમલા વખતે મુંબઈની ‘કામા એન્ડ આલ્બ્લેસ’ હોસ્પિટલમાં આતંકી અજમલ કસાબ અને તેના સાથીઓ સામે મોરચો માંડ્યો હતો. આ લોહિયાળ જંગમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવા છતાં પીછેહઠ કરી નહોતી. તેમની આ બહાદુરી બદલ તેમને રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરવામાં આવ્યા હતા.
NIAના ચીફ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન અનેક સંવેદનશીલ અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા કેસોમાં એજન્સીની ભૂમિકા અત્યંત સચોટ રહી છે. હવે જ્યારે મહારાષ્ટ્રમાં મોટા વહીવટી ફેરફારો થવા જઈ રહ્યા છે, ત્યારે દાતેની વાપસી સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે.


