
નવી દિલ્હીઃ અતીક-અશરફ હત્યા કેસની તપાસ સુપ્રીમ કોર્ટના જજની દેખરેખ હેઠળ કરાવવાની માંગ પર કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. દરમિયાન સુપ્રીમ કોર્ટે માફિયા બ્રધર્સની હત્યા પર સવાલ પૂછ્યો કે અતીક-અશરફને એમ્બ્યુલન્સમાં સીધા હોસ્પિટલની અંદર કેમ ન લઈ જવાયાં ? આ પ્રશ્નના જવાબમાં યુપી સરકાર વતી કોર્ટમાં હાજર રહેલા વકીલ મુકુલ રોહતગીએ કહ્યું હતું કે, અમે આ મામલાની તપાસ માટે એક SIT ની રચના કરી છે અને હાઈકોર્ટના ભૂતપૂર્વ જજની દેખરેખ હેઠળ કમિશનની રચના કરીને મામલાની તપાસ કરી રહ્યા છીએ.
ઉત્તરપ્રદેશ સરકાર વતી કોર્ટમાં હાજર રહેલા એડવોકેટ મુકુલ રોહતગીના નિવેદન પર અરજદારે કહ્યું હતું , હું 2017થી અત્યાર સુધી થયેલા એન્કાઉન્ટરોની તપાસની પણ માંગ કરી રહ્યો છું. રોહતગીના નિવેદનને રેકોર્ડ પર લેતા કોર્ટે યુપી સરકારને અતીક-અશરફ હત્યા કેસ પર આગામી ત્રણ અઠવાડિયામાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા જણાવ્યું છે. કોર્ટે હાલમાં આ મામલે યુપી સરકારને કોઈ નોટિસ જારી કરી નથી.
અરજીકર્તાએ કહ્યું કે અગાઉ 2020માં યુપીમાં વિકાસ દુબે નામના વ્યક્તિનું એન્કાઉન્ટર થયું હતું. તેની નોંધ લેતા કોર્ટે કહ્યું કે, હા વિકાસ દુબેનું એન્કાઉન્ટર થયું હતું. આ અંગે યુપી સરકારના વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે, તેની તપાસ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ બીએસ ચૌહાણે કરી હતી અને વિકાસ દુબેના એન્કાઉન્ટરના મામલામાં પોલીસની કોઈ ખામી જોવા મળી નથી.
ગેંગસ્ટરમાંથી માફિયા અને પછી રાજકારણી બનેલા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદને 15 એપ્રિલ 2023 ના રોજ રાત્રે 10.30 વાગ્યે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી જ્યારે પોલીસ તેમને તબીબી સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ ગઈ હતી. જ્યારે પોલીસ અતીકનું મેડિકલ કરાવવા હોસ્પિટલની અંદર જઈ રહી હતી, ત્યારે મીડિયા કર્મચારીઓના વેશમાં આવેલા ત્રણ હુમલાખોરોએ પોઈન્ટ બ્લેક રેન્જમાંથી ગોળીબાર કરીને માફિયા બંધુઓને નિર્દયતાથી માર્યા.