1. Home
  2. ગુજરાતી
  3. OBC અનામત પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ફેંસલો: ક્રિમી લેયરના નિયમો બદલાયા
OBC અનામત પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ફેંસલો: ક્રિમી લેયરના નિયમો બદલાયા

OBC અનામત પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ફેંસલો: ક્રિમી લેયરના નિયમો બદલાયા

0
Social Share

નવી દિલ્હી, 12 માર્ચ 2026: સુપ્રીમ કોર્ટે ઓબીસી વર્ગના નોન-ક્રિમી લેયરના દરજ્જાને લઈને એક માઇલસ્ટોન સમાન ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, ક્રિમી લેયર નક્કી કરતી વખતે આવકની ગણતરીમાં ગંભીર ભૂલો થઈ રહી હતી, જેને હવે સુધારી દેવામાં આવી છે. આ નિર્ણયથી એવા હજારો પ્રતિભાળી યુવાનો માટે સરકારી નોકરીના દ્વાર ખુલશે જેઓ અત્યાર સુધી ખોટી વ્યાખ્યાને કારણે અનામતથી વંચિત રહ્યા હતા.

સર્વોચ્ચ અદાલતના આદેશ અનુસાર, હવેથી જો માતા કે પિતા ગ્રુપ-IV માં સરકારી નોકરી કરતા હોય અને તેમની વાર્ષિક આવક રૂ. 8 લાખથી વધુ હોય, તો પણ તેમને ક્રિમી લેયરમાં ગણવામાં આવશે નહીં. ક્રિમી લેયર નક્કી કરવા માટે ખેતીમાંથી થતી આવકને પણ બાકાત રાખવામાં આવી છે. માત્ર બિઝનેસ કે પ્રોપર્ટી જેવા અન્ય સ્ત્રોતોમાંથી થતી પરિવારની સરેરાશ (3 વર્ષની) આવક જ રૂ. 8 લાખથી ઓછી હોવી જોઈએ.

કોર્ટે જણાવ્યું કે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ દ્વારા 2004માં બહાર પાડવામાં આવેલા પત્રનો પેરા-9 હવે અમાન્ય રહેશે. બેંક કે પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી કરતા લોકોના કિસ્સામાં માત્ર પગારને આધારે ક્રિમી લેયર નક્કી કરી શકાશે નહીં. આવા કિસ્સાઓમાં પહેલા તેમની પોસ્ટની સરખામણી સરકારી ગ્રુપ-III અને IV સાથે કરવી પડશે. જ્યાં સુધી આ નક્કી ન થાય ત્યાં સુધી 1993નો મૂળ ઓર્ડર જ લાગુ રહેશે.

આ ચુકાદાની સૌથી મોટી વાત એ છે કે તે ભૂતકાળની તારીખોથી લાગુ થશે. રોહિત નાથન (સીએસઈ-2012) અને કેતન બેચ (સીએસઈ-2015) જેવા અનેક કિસ્સાઓમાં, જેમને ઓબીસી-એનસીએલ હોવા છતાં રિજેક્ટ કરવામાં આવ્યા હતા, તેમને હવે 6 મહિનામાં ફરીથી વેરીફિકેશન કરી દરજ્જો આપવો પડશે. જો જરૂર પડે તો વધારાની જગ્યાઓ ઊભી કરાશે જેથી અન્ય કર્મચારીઓની સિનિયોરિટી પર અસર ન પડે.

હવેથી સિવિલ સર્વિસ કે અન્ય સરકારી પરીક્ષાઓમાં માત્ર પગારના આધારે ઓબીસી ઉમેદવારોને રિજેક્ટ કરવાનું બંધ થશે. સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલા માન્ય ઓબીસી-એનસીએલ સર્ટિફિકેટને જ પ્રાથમિકતા આપવામાં આવશે. ભારતમાં ઓબીસી વર્ગ માટે 27 ટકા અનામતની જોગવાઈ છે, પરંતુ ‘ક્રિમી લેયર’ (વાર્ષિક 8 લાખથી વધુ આવક ધરાવતા) ને આનો લાભ મળતો નથી. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી અનામતનો મૂળ હેતુ જળવાઈ રહેશે અને સાચા જરૂરિયાતમંદ ઉમેદવારોને જ્ઞાતિ આધારિત અનામતનો લાભ મળી શકશે.

આ પણ વાંચોઃ હોર્મુઝની ખાડીમાંથી ભારતના પુષ્પક અને પરિમલ ટેન્કરો સુરક્ષિત પસાર થયા

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code