સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્દેશ: સેનામાં મહિલા અધિકારીઓને પરમેનન્ટ કમિશન મળશે
નવી દિલ્હી, 24 માર્ચ 2026: ભારતીય સેનામાં શોર્ટ સર્વિસ કમિશન (SSC) હેઠળ સેવા આપતી મહિલા અધિકારીઓ માટે સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ન્યાયી નિર્ણય સંભળાવ્યો છે. અદાલતે સેનામાં મહિલાઓ સામે થતા ‘પ્રણાલીગત ભેદભાવ’ ને સ્વીકારીને પોતાની વિશેષ બંધારણીય સત્તા (અનુચ્છેદ 142) નો ઉપયોગ કર્યો છે. કોર્ટે તે મહિલા અધિકારીઓના પક્ષમાં ચુકાદો આપ્યો છે જેમને યોગ્ય હોવા છતાં કાયમી કમિશનથી વંચિત રાખવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર, જે મહિલા અધિકારીઓએ પોતાની સેવા સમાપ્તિ સામે કોર્ટમાં પડકાર ફેંક્યો હતો, તેમને હવે 20 વર્ષની પૂર્ણ સેવાના બરાબર પેન્શન મેળવવાનો હકદાર માનવામાં આવશે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે સેનામાં પ્રવર્તતા ભેદભાવપૂર્ણ વલણને કારણે આ મહિલાઓ કાયમી કમિશન મેળવી શકી નહોતી, જે તેમની કારકિર્દીની પ્રગતિમાં અવરોધરૂપ બન્યું હતું.
આ પણ વાંચોઃ ગુજરાત વિધાનસભામાં આજે સમાન નાગરિક સંહિતા બિલને મળશે મંજુરી
ચુકાદો સંભળાવતી વખતે જસ્ટિસે આકરી ટિપ્પણી કરતા કહ્યું કે, “સેનામાં માત્ર પુરુષોનો જ એકાધિકાર હોઈ શકે નહીં.” અદાલતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે પુરુષ અધિકારીઓ એવી અપેક્ષા ન રાખી શકે કે ભવિષ્યની તમામ ખાલી જગ્યાઓ માત્ર તેમના માટે જ હશે. તકોના અભાવ અને ખોટી રીતે અયોગ્ય ઠેરવવાને કારણે મહિલા અધિકારીઓની યોગ્યતા પર માઠી અસર પડી છે.
આ નિર્ણય ખાસ કરીને તે મહિલા અધિકારીઓ માટે ‘વન-ટાઇમ મેઝર’ (એક વખતનો ઉપાય) તરીકે જાહેર કરવામાં આવ્યો છે જેઓ કાયદાકીય લડત દરમિયાન નિવૃત્ત થઈ ગઈ હતી. આ આદેશ JAG (જજ એડવોકેટ જનરલ) અને AEC (આર્મી એજ્યુકેશન કોર) કેડરની મહિલા અધિકારીઓ પર લાગુ થશે નહીં. આ સાથે જ કોર્ટે ભવિષ્યમાં નિષ્પક્ષતા જળવાઈ રહે તે માટે પસંદગીની પદ્ધતિઓ અને કટ-ઓફ નિયમોની સમીક્ષા કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.
આ વિવાદ ત્યારે વકર્યો હતો જ્યારે ‘ઓપરેશન સિંદૂર’ જેવી મહત્વની કામગીરીનો ભાગ રહેલી મહિલા અધિકારીઓ સહિત અનેક અધિકારીઓએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે સુપ્રીમ કોર્ટના અગાઉના સ્પષ્ટ આદેશો છતાં કેન્દ્ર સરકાર અને સેના કાયમી કમિશન આપવામાં પુરુષોની સરખામણીએ તેમની સાથે ભેદભાવ કરી રહી છે. આ અરજી પર સુનાવણી કરતા શીર્ષ અદાલતે હવે આ ક્રાંતિકારી નિર્ણય આપ્યો છે.


