
સુરતઃ ડ્રાઈવિંગ ટેસ્ટ વિના લાયસન્સ આપવાના કૌભાંડનો પર્દાફાશ
- પોલીસે 3 આરોપીઓની અટકાયત
- એક આરોપીઓનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ
અમદાવાદઃ દક્ષિણ ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા સુરતની આરટીઓમાં ટેસ્ટ આપ્યા વિના જ ડ્રાઈવિંગ લાયસન્સ આપવાનું કૌભાંડ સામે આવ્યું છે. સમગ્ર રેકેટ બહાર આવતા પોલીસે ગુનો નોંધીને 3 આરોપીઓની અટકાયત કરી હતી. પોલીસની તપાસમાં અન્ય ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત આર.ટી.ઓ. કચેરી ખાતેના ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેક પર ટેસ્ટ આપ્યા વગર ડ્રાઇવીંગ લાઇસન્સ આપવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થતા પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી હતી. દરમિયાન સુરત કચેરીના સહાયક મોટર વાહન નિરીક્ષક નિલેશ ટી.મેવાડા સાથે સાહીલ શાહનવાઝ વઢવાણીયા, ઈન્દ્રસિંહ ખુમાનસિંહ ડોડીયા, જશ મેહુલભાઈ પંચાલ, ત્રણે આરટીઓ એજન્ટની પણ અટકાયત કરવામાં આવી છે. જે પૈકી નીલેશ મેવાડાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા કોર્ટની ગાઇડ લાઇન મુજબ તેઓને પોલીસ જાપતા હેઠળ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યો છે. આ ગેરરીતી સંબંધમા નિયમો અનુસાર ખાતા રાહે પણ પગલાં લેવામાં આવશે.