પાકિસ્તાન માટે હાલમાં ‘પડતા પર પાટું’ જેવી સ્થિતિ સર્જાઈ છે. પહલગામ હુમલા બાદ ભારતે સિંધુ નદીનું પાણી અટકાવીને પાકિસ્તાનની મુશ્કેલી વધારી દીધી છે, ત્યારે હવે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે પણ પાકિસ્તાન તરફ વહેતી કુનાર નદીનું પાણી રોકવાનો મોટો નિર્ણય લીધો છે. આ પગલાથી પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં જળ સંકટ ઘેરું બનવાની શક્યતા છે. રિપોર્ટ અનુસાર, તાલિબાન સરકારે 500 કિલોમીટર લાંબી કુનાર નદીનું પાણી અફઘાનિસ્તાનના નાંગરહાર વિસ્તાર તરફ વાળવાની બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે. આ યોજના હેઠળ નદીના પાણીને નાંગરહારમાં આવેલા ‘દારુન્તા ડેમ’માં સંગ્રહિત કરવામાં આવશે.
વડાપ્રધાન કાર્યાલયની આર્થિક આયોગની ટેકનિકલ સમિતિએ આ દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી અફઘાનિસ્તાનની ખેતીલાયક જમીનને સિંચાઈ મળશે, પરંતુ પાકિસ્તાનમાં પાણીનો પ્રવાહ ધરખમ રીતે ઘટી જશે. તાલિબાન સરકારે જળ અને ઉર્જા મંત્રાલયને આદેશ આપ્યો છે કે કુનાર નદી પર બંધ બાંધવાનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવે. ખાસ વાત એ છે કે, તાલિબાને આ પ્રોજેક્ટ માટે વિદેશી કંપનીઓને બદલે સ્થાનિક અફઘાન કંપનીઓને પ્રાથમિકતા આપવા જણાવ્યું છે જેથી કામમાં કોઈ વિલંબ ન થાય.
તાજેતરમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સરહદ પર ભારે ગોળીબાર થયો હતો, જેમાં બંને દેશોના સૈનિકો માર્યા ગયા હતા. આ સરહદી તણાવ બાદ હવે બંને દેશો ‘વોટર વોર’ (જળ યુદ્ધ) તરફ આગળ વધી રહ્યા હોય તેમ જણાય છે. કાબુલની કુનાર નદી પાકિસ્તાન માટે પાણીનો મુખ્ય સ્ત્રોત છે, અને જો આ પાણી અટકી જાય તો પાકિસ્તાનના અનેક વિસ્તારોમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ હેઠળના પોતાના અધિકારનો ઉપયોગ કરી પાકિસ્તાન જતું પાણી અટકાવ્યું છે. હવે પૂર્વ અને પશ્ચિમ એમ બંને સરહદેથી પાણી કાપવામાં આવતા પાકિસ્તાનની અર્થવ્યવસ્થા અને કૃષિ ક્ષેત્ર પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે.


